નવી દિલ્હીઃ દેશના તમામ નાના-મોટા પક્ષો લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. પોતાના પક્ષથી નારાજ નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે.  જેમાં વધુ એક નામ ઉમેરાયું છે.



ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા લોકસભા સાંસદ અને જાણીતા પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે આજે કેસરિયો ખેસ છોડી કોંગ્રેસનો પંજો પકડી લીધો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમને ખેસ પહેરાવી પાર્ટીમાં સામેલ કર્યા હતા. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કીર્તિ આઝાદ બિહારની દરભંગા સીટ પરથી સાંસદ છે.



કોંગ્રેસમાં જોડાયા બાદ કીર્તિ આઝાદે રાહુલ ગાંધીને પાઘડી પહેરાવી હતી.  આઝાદ હવે દરભંગા જશે અને સમર્થકો, કાર્યકર્તાઓ સાથે બેસીને આગળની રણનીતિ તૈયાર કરશે. કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી સામે સતત નિવેદનો આપવાના કારણે ભાજપે 2015માં તેમને સસ્પેન્ડ કર્યા હતા.



કીર્તિ આઝાદના પિતા ભાગવત ઝા આઝાદ બિહાર કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને રાજ્યના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા હતા. કોંગ્રેસમાં સામેલ થયા બાદ જો તેઓ દરભંગાથી ઉમેદવારી નોંધાવશે તો મહાગઠબંધનના અનેક નેતાઓનું ચૂંટણી ગણિત બગડી શકે છે. આ સીટ પરથી વિકાસશીલ ઇંસાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુકેશ સાહનીની દાવેદારી નિશ્ચિત માનવામાં આવે છે.