રાજપીપળા: પુલવામા આતંકી હુમલા બાદ સેન્ટ્રલ આઈબી અને સ્ટેટ આઈબીએ ગુજરાતમાં એલર્ટ જાહેર કર્યું છે. જેમાં જણાવામાં આવ્યું છે કે, ગુજરાતના નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મહાત્મા ગાંધી, રેલવે સ્ટેશન અને મંદિર પર હુમલા અંગે ઈનપુટ્સ મળ્યાં છે. આતંકવાદીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની રેકી કરી હોવાની શંકા જાહેર કરી છે જેને ધ્યાનમાં લઈને આ બન્ને સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.




મહત્વપુર્ણ છે કે, આ બન્ને સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ રહેતી હોય છે. આ ભીડનો લાભ લઈને આતંકવાદીઓ હુમલો કરી શકે છે. આ બાબતે એ.એસ.પી અચલ ત્યાગી એ જણાવ્યું હતું કે, ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સુરક્ષા કાફલો વધારી દેવાયો છે.



સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ જોવા આવનાર તમામ વાહનોનું કડક ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. બસમાં આવનાર પ્રવાસીઓના સામાનની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ સુરક્ષા એકદમ ચુસ્ત છે. એક સ્પેશિયલ ટીમ રાખવામાં આવી છે. જે સતત સુરક્ષા અને પેટ્રોલિંગ કરી રહી છે.