મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે ચોથા તબક્કાનું મતદાન હતું. સોમવારે નવ રાજ્યોમાં લોકસભાની 72 સીટો માટે મતદાન થયું હતું. તેવામાં તમામ લોકોની નજર મુંબઈ પર છે. કારણ કે અહીં મતદાન કેન્દ્રો પર બોલિવૂડનાં સિતારાઓની ચમક જોવા મળી હતી. બોલિવૂડનાં બધાં દિગ્ગજ સ્ટાર્સ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

અભિનેત્રી ફરાહ અલી ખાને મતદાન બાદ આંગળી પર લગાવવામાં આવતી શાહી પર સવાલ ઉભા કરી દીધા છે. ફરાહ અલી ખાને ટ્વીટર પર ફોટો શેર કરતાં જણાવ્યું હતું કે, વોટ આપ્યાના બે કલાકની અંદર જ આંગળી પર લગાવેલી શાહી ગાયબ થઈ ગઈ હતી.


ટ્વીટર પર ફોટો શેર કરતાં ફરાહ અલી ખાને ઈલેક્શન કમિશનને ટેગ કરતાં લખ્યું હતું કે, પ્રિય ચૂંટણી પંચ, મેં 2 કલાક પહેલાં જ વોટ આપ્યો હતો અને મારી આંગળી પરની શાહી સરળતાથી દૂર ગઈ છે. આ કેવી રીતે બની શકે. સંજય મને ભરોસો છે કે તમારી શાહી પણ ભૂંસાઈ ગઈ હશે.

ફરાહ અલી ખાને વોટ આપ્યા બાદ તરત જ પોતાનો એક ફોટો ટ્વીટર પર શેર કર્યો હતો. આંગળી પર શાહી સાથેના ફોટો પોસ્ટ કરતાં ફરાહ ખાને લખ્યું હતું કે, મેં વોટ આપી દીધો હતો. શું તમે આપ્યો? વોટ આપ્યાના બે કલાક બાદ જ ફરાહ ખાને ટ્વીટર પર પોતાનો વધુ એક ફોટો શેર કર્યો છે.

આ ફોટામાં આંગળી પરની શાહી ગાયબ થઈ ગયેલી જોવા મળે છે. આ રીતે ફરાહ ખાને એ જણાવવાનો પ્રયાસ કર્યો હતો કે, ચૂંટણી પંચ આંગળી પર જે શાહી લગાવે છે તે સરળતાથી દૂર થઈ જાય છે.