ગાંધીનગર: દોઢ વર્ષ અગાઉ ભાજપમાંથી ટિકીટ ન મળતાં કોંગ્રેસમાં ગયેલા ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન શામજી ચૌહાણ હવે કોંગ્રેસથી નારાજ થઈને ફરી ભાજપમાં જોડાયા છે.




મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખેસ પહેરીને ભાજપમાં જોડાતાની સાથે જ શામજી ચૌહાણે કહ્યું હતું કે, અન્યાયની લાગણી થવાથી પાર્ટી છોડી હતી હવે પરત ફર્યો છું. ફરી અન્યાય થશે તો તેવા પ્રશ્ન પૂછતાં જ ચૌહાણે જણાવ્યું હતું કે, ફરી અન્યાય થશે તો મતદારો પોતાનું પાણી બતાવશે.



વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી વખતે ભાજપે ચોટીલાની ટિકીટ નહીં આપતાં શામજી ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ તરફથી કમિટમેન્ટ કરાયા બાદ સુરેન્દ્રનગર લોકસભાની ટિકીટ માટે તેમનું નામ પેનલમાં પણ નહીં મુકાતા હવે કોંગ્રેસમાંથી નારાજગી વ્યક્ત કરીને તેઓ ભાજપમાં આવ્યા છે.



મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોળી સમાજના આગેવાન શામજી ચૌહાણ ભાજપમાં આવ્યા છે જેનાથી સુરેન્દ્રનગર જિલ્લામાં અને સૌરાષ્ટ્રની બેઠકોમાં અસર થશે. સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાની અનેક તાલુકા પંચાયત પણ કોંગ્રેસની તૂટી છે અને સભ્યો ભાજપમાં જોડાયા છે.