કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પર કયા કોળી નેતા પર ઉતારી પસંદગી? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Apr 2019 08:41 AM (IST)
અમદાવાદઃ ગઈ કાલે કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે વધુ ચાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ગઈ કાલે કોંગ્રેસે ગાંધીનગર, સુરેન્દ્રનગર, જામનગર અને અમદાવાદ પૂર્વના ઉમેદવારોની જાહેરાત કરી છે. સુરેન્દ્રનગર બેઠકની વાત કરીએ તો આ બેઠક પર સૌથી વધુ કોળી મતદારો છે. ત્યારે ભાજપ દ્વારા ડો. મહેન્દ્ર મુંજપરાને ટિકીટ આપી છે. જ્યારે કોંગ્રેસે આ બેઠક પર લીંબડીના વર્તમાન ધારાસભ્ય સોમાભાઈ પટેલ પર પસંદગી ઉતારી છે. આ બેઠક પર સોમાભાઈ અગાઉ પણ લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. ગત લોકસભાની ચૂંટણીમાં દેવજી ફતેપરા સામે સોમાભાઈની પરાજય થઈ હતી. જોકે, આ વખતે ભાજપે દેવજી ફતેપરાને રિપીટ કર્યા નથી અને તેમની જગ્યાએ મુંજપરાને ટિકીટ આપી છે. કોંગ્રેસમાંથી સોમાભાઈ સિવાય ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાનું નામ પણ ચાલતું હતું. જોકે, કોંગ્રેસે ઉમેદવારની જાહેરાત કરતાં તમામ અટકળોનો અંત આવ્યો છે.