અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં મોટો ભૂંકપ આવી શકે છે. કોંગ્રેસના હજુ 13 ઉમેદવાર જાહેર કરવાના બાકી છે ત્યારે અહેમદ પટેલને ભરૂચથી લોકસભા ચૂંટણી લડાવવા માટે કોંગ્રેસે ચક્રોગતિમાન કર્યા છે. કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ABP Asmitaની વાતચીતમાં આ વાતનો ખુલાસો કર્યો છે. અહેમદ પટેલનું નામ સાંભળતાં જ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.




રાજીવ સાતવે જણાવ્યું હતું કે, અમારી ઈચ્છા છે કે અહેમદ પટેલ ભરૂચ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડે અને અહેમદભાઈને મેં આ અંગે આગ્રહ પણ કર્યો છે. જોકે ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા અંગે અહેમદ પટેલે આ અંગે કોઈ પૃષ્ટિ કરી નથી. અહેમદ પટેલ ભરૂચથી ચૂંટણી લડશે તો કોંગ્રેસમાં નવી ઉર્જા આવશે.



રાજીવ સાતવે વધુમાં જણાવ્યું હતું કે, અહેમદ પટેલ પાસે રાજનીતિનો બહોળો અનુભવ છે જેનો ગુજરાત કોંગ્રેસને મોટો ફાયદો થશે. અહેમદ પટેલ ભરૂચ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવી કે નહીં તે આગામી 48 કલાકમાં નક્કી કરવામાં આવશે.



ઉલ્લેખનીય છે કે, અહેમદ પટેલ ઘણાં વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. છેલ્લા 24 વર્ષથી અહેમદ પટેલ રાજ્યસભાના સાંસદ છે. 1989 અને 1991ની લોકસભા ચૂંટણીમાં અહેમદ પટેલે હારનો સામનો કર્યો હતો. અહેમદ પટેલ આ પહેલા પણ ત્રણ વખત લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે.