અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા તમામ 26 ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે અને ઉમેદવારો દ્વારા પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જોકે, પાંચ બેઠકો પર કોંગ્રેસમાં નારાજગી સામે આવી છે. જો નારાજગી દૂર ન થાય તો કોંગ્રેસને આ બેઠકો પર મુશ્કેલી પડી શકે છે.



આ બેઠકો પર કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ હાથ ધર્યું છે. અસંતોષને ડામવા પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બેઠકો શરૂ કરી છે. કોંગ્રેસમાં સુરેન્દ્રનગર, ખેડા,બનાસકાંઠા,સાબરકાંઠા અને અમદાવાદ પૂર્વ પર અસંતોષની સ્થિતિ છે.



ખેડા લોકસભા સીટ પર કોંગ્રેસના નારાજ અસંતુષ્ટોનો કોકડું ગૂંચવાયું છે. અસંતુસ્ટોને મળવા પહોંચેલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અસંતુષ્ટોને મનાવવામાં નિષ્ફળ રહ્યા છે. ધારાસભ્ય કાળુસિંહ ડાભી, જિલ્લા પ્રમુખ રાકેશ ઝાલા સહિતના તાલુકા પ્રમુખોએ રાજીવ સાતવને મળવાની જીદ કરી છે. રાજીવ સાતવને મળ્યા બાદ જ સમગ્ર વિવાદનો કોઈ ઉકેલ આવે તેવી શક્યતા છે. લોકસભાની ચૂંટણીમાં નેતાઓની નારાજગી કોંગ્રેસને ભારે પડી શકે છે.



એટલું જ નહીં, રાજ્યની 5 લોકસભાની બેઠક પર આંતરિક અસંતોષ અને ચાર બેઠકો પર BTPના ઉમેદવારો કોંગ્રેસની બાજી બગાડી શકે છે. આ વખતે બીટીપી સાથે ગઠબંધન ન થતાં ચાર સીટ પર ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા છે. તેઓ આદિવાસી વિસ્તારમાં પ્રભાવ પાડી શકે છે.