નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ શુક્રવારે કહ્યું કે, તેણે 27 ફેબ્રુઆરીએ થયેલ હવાઈ અથડામણમાં પાકિસ્તાની વાયુસેનાનું એક એફ-16 વિમાન તોડી પાડ્યું હતું. વાયુસેના તરફતી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નૌશેરા સેક્ટરમાં હવાઈ અથડામણ દરમિયાન ભારતીય વાયુસેનાના મિગ 21 બાઈસન વિમાને એક એફ-16ને તોડી પાડ્યું હતું. તેની સાથે જ ભારતે અમેરિકન મેગેઝીનમાં પ્રકાશિત અહેવાલને ફગાવી દીધો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, 27 ફેબ્રુઆરીએ એફ-16 તોડી પાડવામાં આવ્યું ન હતું.



ભારતીય વાયુસેનાના નિવેદન અનુસાર, મિગ બાયસનના પાયલોટ વિંગ કમાંડર અભિનંદન વર્ધમાને પાકિસ્તાન એરફોર્સના એક F-16ને નષ્ટ કર્યું હતું. જે પાક અધિકૃત કાશ્મીરમાં 7-8 કિમી અંદર સબ્જકોટ વિસ્તારમાં પડ્યું હતું. IAFના સૂત્રોએ કહ્યું કે પાકિસ્તાન એરફોર્સે ઇન્ટરસેપ્ટ કરેલ રેડિયો કોમ્યુનિકેશનથી પણ આ વાતની પુષ્ટિ કરી છે કે 27મી ફેબ્રુઆરીએ ભારત પર હુમલાની કોશિશમાં સામેલ એક એફ-16 જેટ તેના બેઝમાં પરત ફર્યુ નથી.



ઉપરાંત IAFના સૂત્રોએ વધુમાં જણાવ્યું કે ભારતીય ફોર્સેઝે પણ પુષ્ટિ કરી છે કે તેમને એ દિવસે 2 અલગ-અલગ જગ્યાઓ પર ઇજેક્શંન(પ્લેનથી બહાર નીકળવું) જોયું હતું. બન્ને વિસ્તાર ઓછામાં ઓછા 8-10 કિમી દૂર હતા. આમાંથી એક IAFનું મિગ 21 બાયસન અને બીજું PAFનું ફાઇટર જેટ હતું. ઇલેક્ટ્રોનિક સિગ્નેચરથી પણ સ્પષ્ટ થાય છે કે, PAF એરક્રાફ્ટ કોઈ અન્ય નથી પરંતુ એફ-16 જ હતું.