વલસાડ: લોકસભા ચૂંટણી પહેલા દાદરાનગર હવેલીમાં ભાજપ અને કોંગ્રેસમાં રાજકારણ ગરમાવો જોવા મળ્યો છે. એક દિવસ પહેલા જ ભાજપના મહિલા નેતાએ ટીકિટ ન આપતાં પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. જ્યારે આજે કોંગ્રેસનાં મોટા નેતા મોહન ડેલકર કોંગ્રેસ સાથે છેડો ફાડીને અપક્ષ તરીકે ચૂંટણી લડવાનાં છે તેવી વિધીવત જાહેરાત કરી દીધી છે.



મોહન ડેલકરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાની વાત પર જણાવ્યું હતું કે, 6 મહિનાથી લોકોનો અભિપ્રાય લઇ રહ્યો છું. ત્યાર બાદ જ કોંગ્રેસ છોડીને અપક્ષ ઉમેદવારી કરવાનો નિર્ણય લીધો છે. આજે મેં કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખનાં હોદ્દા પરથી રાજીનામું પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું મોકલી દીધું છે.



સોમવારે દિવસ દરમિયાન આ મુદ્દે પ્રદેશમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની હતી. મોહન ડેલકર અને તેમના સમર્થકો વચ્ચે સેલવાસના ખાનગી ફાર્મ હાઉસમાં મીટિંગો ચાલી હતી. આ બેઠકમાં ડેલકરની અપક્ષ ઉમેદવારી અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો તેવી માહિતી મળી રહી છે.