નવી દિલ્હી: નાટકીય મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે યજમાન રાજસ્થાન રોયલ્સને 14 રને પરાજય આપ્યો હતો. પંજાબે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી 184 રન બનાવ્યા હતા જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરના અંતે નવ વિકેટ ગુમાવી 170 રન બનાવી શકી હતી.



185 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમને બટલરે વિસ્ફોટક બેટિંગ દ્વારા ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. 13મી ઓવરમાં અશ્વિને બટલરને માંકડેડ આઉટ કર્યાં બાદ પણ રાજસ્થાન રોયલ્સે 16મી ઓવર સુધી પોતાની પકડ બનાવી રાખી હતી.



આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ અને કિગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચમાં એક અજીબ રીતે રન આઉટ થવાની ઘટના સામે આવી હતી. રાજસ્થાનનો સ્ટાર બેટ્સમેન જોસ બટલર માંકડ સ્ટાઇલમાં રન આઉટ થયો હતો. બટલરે શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. જોકે તે અનલકી રીતે આઉટ થયો હતો. બટલરે 43 બોલમાં 10 ફોર અને 2 સિક્સર સાથે 69 રન બનાવ્યા હતા.



પરંતુ 17મી ઓવરમાં સેમ કરને સ્મિથ અને સંજુ સેમસનને અને 18મી ઓવરમાં મુજીબે બેન સ્ટોક્સ અને રાહુલ ત્રિપાઠીને આઉટ કરી મેચને પોતાની તરફ કરી દીધી હતી. 19મી ઓવરમાં જોફ્રા આર્ચેર રનઆઉટ થયો જ્યારે અંતિમ ઓવરમાં અંકિત રાજપૂતે ઉનડકટ અને ગૌતમને આઉટ કરી પંજાબને જીત અપાવી હતી.


મેચની 13મી ઓવર અશ્વિન કરી રહ્યો હતો. આ ઓવરના પાંચમાં બોલે નોન સ્ટ્રાઇક ઉપર રહેલો બટલર બોલ ફેંકે કે પહેલા ક્રિઝની બહાર ચાલ્યો ગયો હતો. આથી અશ્વિને બેલ્સ પાડી દીધા હતા અને આઉટની અપીલ કરી હતી. મેદાન પરના અમ્પાયરે થર્ડ અમ્પાયરની મદદ માંગી હતી. રિપ્લેમાં બટલર આઉટ જણાયો હતો. જેથી અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. જોકે આવી રીતે આઉટ થતા બટલર ગુસ્સે ભરાયો હતો અને અશ્વિન સાથે મેદાનમાં રકઝક પણ થઈ હતી.