ચોટીલા વિધાનસભાની બેઠક પરથી ભાજપમાંથી વર્ષ 2012માં ચૂંટાઈને ધારાસભ્ય બનેલા શામજીભાઇ ચૌહાણને 2017ની વિધાનસભામાં ભાજપમાંથી ટીકિટ ન મળતાં નારાજ શામજીભાઇ ચૌહાણે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતાં. જોકે તેમણે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરતાં રાજકિય ભુકંપ સર્જાયો છે.
તેમણે જણાવ્યું હતું કે, હું જ્યારે ભાજપમાંથી કોંગ્રેસમાં ગયો ત્યારે અમિતભાઈ ચાવડાએ મારી સાથે કમિટમેન્ટ કર્યું હતું કે તમને સુરેન્દ્રનગરથી લોકસભાની બેઠકની ટીકિટ આપીશું. પરંતુ અત્યારે જ્યારે ટીકિટ આપવાની આવી ત્યારે તેઓ ફરી ગયા છે. અને મને એમ કહે છે કે ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાને લોકસભાની ટીકિટ આપીએ અને તેઓ જીતી જાય તો તેમની ખાલી પડેલી ચોટીલા વિધાનસભાની ટીકિટ તમને આપીશું.
તેમણે મોવડી મંડળને ખુલ્લું જ કહી દીધું હતું કે, ચોટીલા વિધાનસભા લડવા માટે મારે કોંગ્રેસના બેનરની જરૂર નથી. તે તો હું એકલો જ લડી શકુ છું. વચન આપીને ફરી જાય તે ખુબ જ દુ:ખની વાત છે. આથી જ 28 માર્ચના દિવસે મેડિકલ હોલ ખાતે કાર્યક્રમ કરીને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ છોડી અત્યારે કોઇ પણ પક્ષમાં જવાનો નથી. છતાં સમાજના લોકો કહેશે તેમ કરીશ.