આ બેઠક પર કોંગ્રેસ તરફથી હજુ સુધી ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. છેલ્લા અઠવાડિયાથી આ બેઠક પર ગીતા પટેલનું નામ ચર્ચામાં છે. ભાજપે આયાતી ઉમેદવારને ટીકિટ આપતાં હવે કોંગ્રેસ તેમની સામે દેવજી ફતેપરાને મેદાનમાં ઉતારી શકે છે. ભાજપના સાંસદ ફતેપરા પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના છે. જોકે દેવજી ફતેપરાએ આ વાતનું સમર્થન આપ્યું નથી.
સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરાને ભાજપે ફરીથી સાંસદની ટીકિટ આપી નથી. ભાજપ તરફથી છેલ્લે 14 ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાંથી 13 સાંસદોને રિપીટ કરાયા હતા અને દેવજી ફતેપરાની ટીકિટ કાપવામાં આવી હતી. આ વાતને લઈને નારાજ સાંસદ દેવજી ફતેપરાએ ભાજપ સામે ખુલ્લો બંડ પોકાર્યો હતો.
દેવજી ફતેપરાએ વઢવાણ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય ધનજી પટેલ અને પૂર્વ મંત્રી તેમજ ધારાસભ્ય જયંતિ કવાડિયા પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, આ બંનેએ તેની ટિકીટ કપાવી છે. આ સાથે જ દેવજી ફતેપરાએ સમાજ કહેશે તો પક્ષ છોડી દેવાની પણ ચીમકી આપી હતી.