નવી દિલ્હીઃ બિહારની બેગુસરાય લોકસભા બેઠક પર હાલમાં આખા દેશની નજર છે. રાજ્યના આ હાઇ પ્રૉફાઇલ બેઠક પર પહેલીવાર ફિલ્મ સ્ટારોનો મેળો જામશે. નામાંકનથી લઇન ચૂંટણી પ્રચાર સુધી દેશની નામી હસ્તીઓ, નેતા-અભિનેતા અહીં કન્હૈયા કુમારના સમર્થનમાં આવશે.


જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા ભાકપાના ઉમેદવાર છે. વળી બીજીબાજુ ભાજપાના કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ ઉભા રહ્યાં છે. જોકે કોઇએ હજુ સુધી ઉમેદવારી ફોર્મ નથી ભર્યુ, પણ કેટલાય ફિલ્મસ્ટારો અહીં આવીને કન્હૈયાના સમર્થનમા પ્રચાર કરશે એવી જાહેરાત થઇ ચૂકી છે.



ભાકપામાંથી મળેલી માહિતી અનુસાર, કન્હૈયો 9મી એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે. આ દરમિયાન બૉલીવુડની ફેમસ અભિનેત્રી સ્વરા ભાસ્કર અને તેની ટીમ હાજર રહેશે. તેની સાથે ગુલમેહર કૌર, ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ હશે. ઉપરાંત ચર્ચિત સામાજિક કાર્યકર્તા તથા નર્મદા બચાવો આંદોલનની મેઘા પાટકર પણ જોડાશે.



નામાંકન બાદ દેશની નામી હસ્તીઓ કન્હૈયાના પ્રચારમાં બેગુસરાયમાં આવશે. જેમાં સાઉથ ઇન્ડિયાના ફેમસ અભિનેતા પ્રકાશ રાજ, અભિનેત્રી શબાના આઝમી, લેખક જાવેદ અખ્તર, નિર્દેશક ઇમ્તિયાઝ અલી, ટીવી અભિનેત્રી સોનલ ઝા સહિતના કલાકારો સામેલ છે.