મુંબઈઃ ટીવી એક્ટ્રેસ તનાજ અને એક્ટર બખ્તયાર માટે એપ્રિલ ફૂલ ડે મુશ્કેલીભર્યો રહ્યો છે. પરંતુ સૌથી વિચિત્ર ઘટના એ થઈ કે જ્યારે પોતાની સાથે થયેલ દુર્ઘટના વિશે લોકોને જણાવ્યું તો બધા એપ્રિલ ફૂલ સમજી રહ્યા હતા અને વિશ્વાસ ન કર્યો. થયું એવું કે તનાજ અને બખ્તયારના ઘરે એક એપ્રિલના રોજ આગ લાગી હતી, પરંતુ પરિવારના અન્ય સભ્યો એપ્રિલ ફૂલની મજાક સમજીને હસતા જોવા મળ્યા હતા.



મીડિયા સાથેની વાતચીતમાં તનાઝે જણાવ્યું કે, “બખ્ત્યાર અને હું અમારા રૂમમાં સૂતા હતા. અમારા હાઉસ હેલ્પે બાળકોના રૂમમાંથી મદદ માટે બૂમ પાડી અને લાઈટ કેમ જતી રહી છે તે પૂછ્યું. મેં બખ્ત્યારને ઊઠાડ્યો અને થોડી જ વારમાં મેં તેની બૂમો સાંભળી. તે ડરી જાય એવો માણસ નથી. આથી મેં દોડીને જોયુ તો પેસેજમાં આગ લાગી હતી. આગની જ્વાળા ઘરની અંદર સુધી પહોંચી ગઈ હતી. નસીબજોગે અમારા પાડોશીએ અમને બ્લેન્કેટ અને નેપકિનની મદદથી આગ હોલવવામાં મદદ કરી. બખ્ત્યાર રિયલ લાઈફ હીરો છે અને તેણે 45 જ મિનિટમાં આગ કાબુમાં લાવી દીધી. પોલીસ અને ફાયર બ્રિગેડ પણ સમયસર આવી ગયા.”

જોકે તનાઝે જણાવ્યું કે, જ્યારે તેણે તેના ફ્રેન્ડ્સને આ વાત કરી તો કોઈ તેની વાત સાચી માનવા તૈયાર જ નહતું કારણ કે એ દિવસે 1 એપ્રિલ હતી. તનાઝે બધાને ઘરે સુરક્ષા જાળવવાની સલાહ આપી હતી.