નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન પદ તરીકેના બીજી વાર શપથ લેશે. એક રિપોર્ટ અનુસાર, નીતિશ કુમારની પાર્ટી જેડીયુ મોદી કેબિનેટમાં સામેલ થશે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે જેડીયુને ફક્ત એક મંત્રી પદ મળવાથી નારાજ છે અને એટલા માટે કેબિનેટમાં સામેલ થવાનો પાર્ટીએ ઇનકાર કર્યો હતો.


જેડીયુ અધ્યક્ષ નીતિશ કુમારે કહ્યું કે, સરકારથી કોઇ નારાજગી નથી પરંતુ અમને સરકારમાં ફક્ત સાંકેતિક હિસ્સેદારીમાં રસ નથી. તેને કારણે અમે સરકારની બહાર રહેવાનો નિર્ણય લીધો છે. અમે અમારા નિર્ણય અંગે ભાજપ અધ્યક્ષ અને વડાપ્રધાનને જણાવ્યો છે. અમારો કોઇ પણ નેતા સાંકેતિક પદ ઇચ્છતા નથી.

પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરને પણ મંત્રી બનાવવામાં આવી રહ્યા છે. તેમને કેન્દ્રિય મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે. તે 1977થી ભારતીય વિદેશ સેવાના અધિકારી છે. તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે. શપથ અગાઉ વડાપ્રધાન મોદીના ઘર પર મંત્રી બનનારા સાંસદો સાથે બેઠક કરી હતી. સુષ્મા સ્વરાજ વડાપ્રધાનને મળવા પહોંચ્યા નહોતા.