પણજીઃ દેશના સૌથી નાના રાજ્ય એવા ગોવામાં મત ગણતરી શરૂ થઈ છે. આશ્ચર્યજનક રીતે ગોઆમાં શરૂઆતના ટ્રેન્ડમાં કોંગ્રેસ ભાજપ કરતાં આગળ નિકળી ગઈ છે. ગોઆ વિધાનસભાની 40 બેઠકોમાંથી ભાજપ 5 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 7 બેઠકો પર આગળ છે. તૃણમૂલ કોંગ્રેસ 1 બેઠક પર આગળ છે.


રાજ્યની 40 બેઠકો પર સિંગલ ફેઝમાં 14 ફેબ્રુઆરીથી વોટિંગ થયું હતું. 40 બેઠકો પર કુલ  301 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. ભાજપના 40 ઉમેદવારો, કોંગ્રેસના 37 ઉમેદવારો, AAPના 39 ઉમેદવારો, તૃણમૂલ કોંગ્રેસના 26 ઉમેદવારો, મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના 13 અને અપક્ષના 68 ઉમેદવારો છે.  કુલ 11.56 લાખ કુલ મતદારોએ મતદાન કર્યું છે.


ગોઆમાં છેલ્લી 2 ટર્મથી ભાજપ સરકાર છે. છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની હતી, પરંતુ ભાજપે નાની-નાની પાર્ટીને પોતાની સાથે જોડી અહીં સરકાર બનાવી દીધી હતી.  આ ચૂંટણીમાં કોંગ્રેસે ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) સાથે મળીને ચૂંટણી લડી છે.