કીવઃ રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનની તાકાતમાં વધારો થવા જઇ રહ્યો છે.  બ્રિટને જાહેરાત કરી છે કે તે યુક્રેનને વધુ એન્ટી ટેન્ક મિસાઈલો આપશે. સાથે જ Polandએ પણ ફાઈટર જેટ આપવાની તૈયારી બતાવી છે.






બીજી તરફ નેધરલેન્ડના વડાપ્રધાને રશિયન તેલની આયાત પર પ્રતિબંધ લગાવવાના કેટલાક દેશોના નિર્ણયનો વિરોધ કર્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું હતું કે રશિયા દ્વારા Maternity Hospital પર હુમલો કરવામાં આવ્યો છે. તેમણે આ હુમલાને માનવતાનું મોત ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે દુનિયા ક્યાં સુધી આ આતંકને નજરઅંદાજ કરશે.


આ અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિએ તમામ નાટો દેશોને યુક્રેનને નો-ફ્લાઈંગ ઝોન જાહેર કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે જો આ માનવીય દુર્ઘટનાને રોકવી હોય તો યુક્રેનને કોઈ પણ સંજોગોમાં નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવું જરૂરી છે. તેમના મતે જો વિશ્વ આ નિર્ણય જલ્દી નહીં લે તો વિનાશ માટે તે પણ જવાબદાર હશે.


રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેને દાવો કર્યો છે કે તેણે અત્યાર સુધીમાં 12,000 રશિયન સૈનિકોને માર્યા છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને આ દાવો કર્યો છે. યુક્રેનનો દાવો છે કે તેણે અત્યાર સુધી યુદ્ધમાં 49 રશિયન એરક્રાફ્ટ, 81 હેલિકોપ્ટર, 317 ટેન્ક અને 1070 અલગ-અલગ પ્રકારના હથિયારોને નષ્ટ કર્યા છે.


 આ પહેલા બુધવારે રશિયાએ કહ્યું હતું કે યુક્રેન સાથેના યુદ્ધના ઉકેલ માટે કિવ સાથે વાતચીત આગળ વધી રહી છે. રશિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મોસ્કોના સૈનિકો યુક્રેનની સરકારને તોડવા માટે કામ કરી રહ્યા નથી.