ધ્રાંગધ્રાથી પરશોત્તમભાઈ સાબરિયા, જામનગર ગ્રામ્યથી રાઘવજીભાઈ પટેલ અને માણાવદરથી જવાહર ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. દેશમાં લોકસભાની ચૂંટણી સાથે 34 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. આ પેટા ચૂંટણીમાં રાજ્યની પાંચ બેઠકોનો પણ સમાવેશ થાય છે.
ચૂંટણી પંચે કરેલી જાહેરાત મુજબ, રાજ્યની પાંચ વિધાનસભા બેઠકોનો સમાવેશ લોકસભા સાથે યોજાનાર પેટા ચૂંટણી માટે કરાયો છે. આ પાંચ બેઠકો અગાઉ કોંગ્રેસ પાસે હતી. આ બેઠકોમાં 21- ઉંજા અને 91- તાલાળા, માણાવદર, જામનગર ગ્રામ્ય અને ધ્રાંગધ્રા બેઠકનો સમાવેશ થાય છે. તાલાળા બેઠકના ધારાસભ્ય ભગવાન બારડને બાદ કરતાં તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાતા પેટાચૂંટણી યોજાશે. આ પાંચેય બેઠકો પર 23મી એપ્રિલે લોકસભાની પેટા ચૂંટણી સાથે જ મતદાન થશે.
રાજ્યની 91-તાલાળા બેઠક પર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ભગવાન ભાઈ બારડનો વિજય થયો હતો. તાજેતરમાંજ ખનિજ ચોરીના કેસમાં કોર્ટ દ્વારા તેમને 2 વર્ષ અને 9 માસની સજા થતા તે નવા કાયદા મુજબ, ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠર્યા હતા. ભગવાન ભાઈ બારડને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્ય તરીકે સસ્પેન્ડ કર્યા હતા. 21- ઉંજા બેઠક પર વિધાન સભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય આશા બહેન પટેલનો વિજય થયો હતો. આશા બહેન પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા તેમણે ધારાસભ્ય તરીકે રાજીનામું સોપ્યું હતું.