બાયડઃ આજે ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકો માટે પેટાચૂંટણીનું મતદાન છે, ત્યારે બાયડના ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસ પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે. નોંધનીય છે કે, મતદાનના થોડા સમય અગાઉ જ સોશિયલ મીડિયા પર રૂપિયા વહેંચણી થઈ હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો બાયડ વિધાનસભાનો હોવાનું કહેવાય રહ્યું છે. જોકે, આ વીડિયોને લઈને હજુ સુધી કોઈ પુષ્ટી થઈ નથી.


ધવલસિંહે આ વાયરલ વીડિયોનો હવાલો આપીને કોંગ્રેસ પર રૂપિયાની વહેંચણી કરી હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા દારૂની રેલમછેલનો આરોપ લગાવાયો છે. ત્યારે મતદાન પહેલા આ પ્રકારના આક્ષેપોને કારણે રાજકારણ ગરમાયું છે. જોકે, રૂપિયા વહેંચણી કે દારૂની રેલમછેલ થઈ હતી કે નહીં તે તો તપાસનો વિષય છે.



ધવલસિંહે લગાવેલા આક્ષેપોનો કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલે ફગાવી દીધા છે અને તેમણે કોઈ રૂપિયાની વહેંચણી ન કરી હોવાનું જણાવી ખોટા આરોપો લગાવાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં તેમણે કહ્યું હતું કે, મારી પાસે ડીઝલ ભરાવાના પૈસા પણ નથી.