ગાંધીનગરઃ કોંગ્રેસનો યુવા નેતા હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસનો લોકસભા ચૂંટણી માટે સૌથી મોટો સ્ટાર પ્રચારક બની ગયો છે. તે રાહુલ ગાંધી અને પ્રિયંકા બાદ ત્રીજા નંબરનો સૌથી મોટો સ્ટાર પ્રચારક છે. કોંગ્રેસે હાર્દિકને ચૂંટણી પ્રચાર કરવા માટે હેલિકોપ્ટર ફાળવ્યું છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાર્દિકને હેલિકોપ્ટર ફાળવવા અંગે નિશાન સાધ્યું છે. ગુજરાતમાં બેરોજગાર એ હેલિકોપ્ટરમાં ફરે છે એવા કટાક્ષ સાથે નીતિન પટેલે હાર્દિક ઉપર શાબ્દિક હુમલો કર્યો હતો.


મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલને સ્ટાર પ્રચારકના રૂપમાં પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે. અને તેને હેલિકોપ્ટર પણ ફાળવવામાં આવ્યું છે. હાર્દિક પટેલના હેલિકોપ્ટરમાં સવાર ફોટો અને વીડિયો મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બેરોજગારો હેલિકોપ્ટરમાં ફરે છે. અમે જમીન ઉપર કામ કરી રહ્યા છે જ્યારે કોંગ્રેસ હવામાં ફરે છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાને આજે સુરેન્દ્રનગરમાં પોતીકા પણાની વાત કરી છે. ગુજરાતમાં 26માંથી 26 બેઠકો વડાપ્રધાનને અપર્ણ કરશે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ ગુજરાતભરમાં આગામી દિવસોમાં 50થી વધુ ચૂંટણી સભા સંબોધશે. ભલે કાયદાકીય આંટીઘૂંટીના કારણે હાર્દિક પટેલને લોકસભાની ચૂંટણીમાં લડવાની તક ના મળી પરંતુ તે એક જ મહિનામાં સ્ટાર પ્રચારક ચોક્કસ બની ગયો છે. ગુજરાતમાં કોંગ્રેસની કાર્યકારિણી બેઠક દરમિયાન અમદાવાદ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં તા. 12 માર્ચે કોંગ્રેસમાં જોડાયો હતો. એક જ મહિનામાં કોંગ્રેસે તેને સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવી લીધો હતો.

હાર્દિક ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસના ઉમેદવાર માટે ચૂંટણી સભા કરશે. એટલે કે, બહારના રાજયોમાં પણ કોંગ્રેસ માટે પ્રચાર કરવામાં પક્ષ દ્વારા હાર્દિક પર વિશ્વાસ વ્યકત કરાયો છે, જે મહત્વની વાત હાર્દિકના દ્રષ્ટિકોણથી કહી શકાય. હાર્દિકને પહેલું હેલિકોપ્ટર અને રૂટ રાઈડિંગ અમદાવાદથી રાજકોટનો હતો. કોંગ્રેસે 7 દિવસમાં જ 50થી વધુ સભા કરવા માટે હાર્દિકને હેલિકોપ્ટર ફાળવી દીધું છે. સૌથી પહેલા તેણે અમદાવાદથી રાજકોટની ઉડાન ભરી હતી.

લોકસભા ચૂંટણીઃ 12 રાજ્યોની 95 બેઠકો પર બીજા તબક્કાનું વોટિંગ શરૂ, રજનીકાંત-ચિદમ્બરમે આપ્યો વોટ