Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ ટિકિટને લઈને જોડતોડની નીતિઓ થઈ રહી હતી. રાજકીય પક્ષોએ નામ જાહેર કરતા અનેક ઠેકાણે બળવાખોરી થઈ. ભાજપમાંથી સૌથી વધુ સીટિંગ ધારાસભ્યોને કાપવામાં આવ્યા હતા. જેના પગલે ભાજપમાં જ 20 જેટલાએ બળવો કરી અપક્ષ ઉમેદવારી કરી હતી. જ્યારે એનસીપીમાંથી કાંધલ જાડેજાએ બળવો કરી સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જેમાં કાંધલ જાડેજા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને માવજી દેસાઈની જીત થઈ છે. જ્યારે મધુ શ્રીવાસ્ત્વ સહિત 14 બળવાખોરની હાર થઈ છે, જ્યારે ચાર બળવાખોરોએ જોરદાર ટક્કર આપી છે.
એનસીપીના સીટિંગના ધારાસભ્ય કાંધલ જાડેજાએ એનસીપીમાંથી રાજીનામું આપી દીધું હતું. કાંધલ જાડેજા 2012માં એનસીપીમાં જોડાયા હતા. એનસીપીએ આ વખતે કાંધલ જાડેજાને કુતિયાણા સીટ પર ટિકિટ ન આપતાં નારાજ થઈને તેમણે રાજીનામું આપી દીધું છે. ત્યાર બાદ સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી.
તો વડોદરા જિલ્લાના સૌથી ધનવાન ઉમેદવાર એવા ધર્મેન્દ્રસિંહ વાઘેલા માત્ર ધોરણ -10 ભણેલા છે, અને તેમના માથે એકપણ કેસ નથી. વર્ષ-2017માં 10 હજાર જેટલા મતોથી પરાજય થયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી હારનો શોક ભુલાવી પુનઃ 2022ની ચૂંટણી લડવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને હવે વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ચૂંટાયા છે.
તો ભાજપ નેતા માવજી દેસાઈએ પણ પક્ષ સાથે છેડો ફાડીને ધાનેરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ધાનેરા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ માવજી દેસાઈની ટિકિટ કાપતાં માવજી દેસાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. માવજી દેસાઈ 2017માં ભાજપના ઉમેદવાર હતા. માવજી દેસાઈની ટિકિટ કપાતાં સર્વે સમાજ એકત્ર થયો હતો અને તેમને અપક્ષ ચૂંટણી લડવા માટે આહવાન કર્યું હતું અને હવે તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
તો વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવ છેક 1995થી વિજયી બનતા આવ્યા છે. અહીં પહેલીવાર અપક્ષ MLA તરીકે ચૂંટાયા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને સતત 6 ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે. હવે મધુ શ્રીવાસ્તવને 7મી વખત ચૂંટણી લડવી હતી, પરંતુ ભાજપે આ વખતે તેમને રિપીટ કર્યા નહોતા. જેના કારણે તેમને અપક્ષ ઉમેદવારી કરી. પરંતુ તેમનો પરાજય થયો. તો ભાજપ સાથે છેડો ફાડી બાયડથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર ધવલસિંહ ઝાલા વિજય થયા છે.