Gujarat Results 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડ આવવા લાગ્યા છે. પોસ્ટલ બેલેટ ટ્રેન્ડમાં ભાજપને બહુમતી મળી છે. જ્યારે કોંગ્રેસ સંકોચાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ટ્રેન્ડમાં ભાજપ 125 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 52 સીટો પર આગળ છે. આ સાથે આમ આદમી પાર્ટી પણ 4 સીટો પર આગળ ચાલી રહી છે. 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.


બીજી તરફ હિમાચલ પ્રદેશની વાત કરીએ તો અહીં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત મુકાબલો જોવા મળી રહ્યો છે. હિમાચલ વિધાનસભાની 68માંથી 33 બેઠકો પર ભાજપે લીડ જાળવી રાખી છે. કોંગ્રેસ પણ 33 સીટો પર આગળ છે. AAP એક પણ સીટ પર આગળ નથી. 2 બેઠકો પર અપક્ષ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.


ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે


રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. ગુજરાતમાં ભાજપનું અગાઉનું શ્રેષ્ઠ પ્રદર્શન 2002માં હતું, જ્યારે તેણે 182 સભ્યોની વિધાનસભામાં 127 બેઠકો જીતી હતી. ગુજરાતમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા રહી છે, પરંતુ આ વખતે AAP મેદાનમાં ઉતરતા ત્રિકોણીય બની છે. જો કે, એક્ઝિટ પોલના અનુમાનમાં કહેવામાં આવ્યું છે કે ભાજપને મોટી જીત મળશે.


શું હિમાચલમાં રિવાજ બદલાશે?


હિમાચલ પ્રદેશમાં 1985 થી, કોઈપણ પક્ષ સતત બે વિધાનસભા ચૂંટણી જીતી શક્યો નથી. જો આ પહાડી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહેશે તો તે એક રેકોર્ડ હશે. હિમાચલ પ્રદેશના એક્ઝિટ પોલમાં પણ ભાજપની જીતની આગાહી કરવામાં આવી છે. એબીપી ન્યૂઝ સી-વોટરના એક્ઝિટ પોલ મુજબ, હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં ભાજપને 33-41 બેઠકો, કોંગ્રેસને 24-32 બેઠકો, AAPને શૂન્ય અને અન્યને 0-4 બેઠકો મળવાની ધારણા છે.


નોંધનીય છે કે, આજે 1600થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના તમામ જિલ્લામાં મતગણતરીને લઈ પ્રશાસને પણ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠક પરના EVM ગુજરાત કોલેજ,એલડી એન્જિનિયરિંગ કોલેજ અને આંબાવાડીની સરકારી કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં રખાયા છે. જેની પેરામિલિટ્રી ફોર્સના જવાનો સુરક્ષા કરી રહ્યાં છે. તો, સીસીટીવી મારફતે પણ નજર રખાઈ રહી છે. સવારે આઠ વાગ્યે વિધાનસભા મુજબ 14 ટેબલ પર મતગણતરી થશે તો વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકની મતગણતરી MS યુનિવર્સિટીની પોલિટેક્નિક કોલેજમાં થશે અને સુરત શહેરની 6 બેઠકની ગણતરી SVNIT કોલેજમાં જ્યારે ગ્રામ્યની 10 બેઠકની ગણતરી ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં થશે.


રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે એમ કહીને શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. મતગણતરી માટે વધારાના 78 મદદનીશ ચૂંટણી અધિકારી હશે. આ ઉપરાંત 71 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે.


શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, તમામ કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક થઈ ગઈ છે. સેકન્ડ રેન્ડમાઇઝેશન પણ આજે પૂર્ણ કરાશે અને મતગણતરી પહેલા સવારે 5:00 વાગે થર્ડ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા કરાશે. મતદાન કેન્દ્રના દરેક ટેબલ પર એક માઈક્રો-ઑબ્ઝર્વર, કાઉન્ટીંગ સુપરવાઈઝર અને કાઉન્ટીંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કાઉન્ટીંગ હૉલમાં બે માઈક્રો-ઑબ્ઝર્વર મૂકવામાં આવશે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવશે.


મતગણતરી મથકો પર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજરત કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો તથા કાઉન્ટીંગ એજન્ટ્સ અને દરેક ઉમેદવારના  કાઉન્ટિંગ એજન્ટ્સ પણ પ્રવેશ કરી શકશે. રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવશે. સવારે 8:00 વાગે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે અને 8:30 વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે સાથે EVMના મતોની ગણતરી પણ શરુ કરાશે.


મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ કાઉન્ટીંગ સેન્ટર્સને કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, ટેલિફોન અને ફેક્સ જેવી અત્યાધુનિક સંચારસુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. મોબાઈલ ટેલિફોન, આઈ-પેડ કે લેપટૉપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો મતગણતરી કેન્દ્રમાં લઈ જઈ શકાશે નહીં. કમિશનના ઑબ્ઝર્વર્સ, રિટર્નિંગ ઑફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર અને કાઉન્ટીંગ સુપરવાઈઝર્સ પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. દરેક મતગણતરી કેન્દ્રમાં મિડિયા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. મિડિયા સેન્ટર સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં.