અમદાવાદઃ દરેક પક્ષોએ લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે અને પક્ષથી નારાજ નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. પાસના નેતા હાર્દિક પટેલ પણ લોકસભા ચૂંટણી લડી શકે છે. અમદાવાદમાં 12 માર્ચે કોંગ્રેસની જન સંકલ્પ રેલીમાં હાર્દિક રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે.


હાર્દિક પટેલ જામનગર અથવા મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. થોડા મહિના પહેલા જ્યારે તેણે અમરેલીના વિવિધ ગામડાઓનો પ્રવાસ કર્યો હતો ત્યારે તે અમરેલીથી ચૂંટણી લડશે તેવી પણ અટકળો વહેતી થઈ હતી.

પાસ કન્વિનર હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવાને લઈ ફેસબુક પેજ પર ફેબ્રુઆરીમાં એક પોલ કેમ્પેન કર્યું હતું. જેમાં તેણે પૂછ્યું છે કે, એક જ સવાલ અને આપના સાચા જવાબની આશા રાખું છું. મેં ચૂંટણી લડવાનું વિચાર્યું પણ નથી પરંતુ ગુજરાતના ખેડૂતો અને યુવાનોના અધિકાર માટે ચૂંટણી લડવી ગુનો છે ? જેમાં 67 ટકા લોકોએ ચૂંટણી લડવી જોઈએ તેવો અભિપ્રાય આપ્યો હતો.

પૂર્વ પાસ કન્વીનર અને ભાજપના નેતા રેશમા પટેલે પણ ફેબ્રુઆરીમાં લોકસભા ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, હું પોરબંદરની બેઠક પરથી લોકસભા ચૂંટણી લડીશ. ક્યા પક્ષમાંથી ચૂંટણી લડીશ તે નક્કી નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી સામે ચૂંટણી લડીશ તે નક્કી છે. ઉપરાંત તેણે એવી સ્પષ્ટતા કરી હતી કે, તે કોઈ પક્ષના ફાયદા માટે ચૂંટણી નહીં લડે, પરંતુ સમાજ માટે ચૂંટણી લડશે. 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા રેશમા પટેલે હાર્દિક પટેલનો સાથ છોડી ભાજપનો ખેસ પહેર્યો હતો.