ચંદીગઢઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈ ચૂંટણી પંચે તારીખ જાહેર કરી દીધી છે. રાજ્યમાં 21 ઓક્ટોબરે વોટિંગ થશે અને 24 ઓક્ટોબર પરિણામ જાહેર થશે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ હરિયાણા પર વિશેષ ચર્ચા માટે એબીપી ન્યૂઝ દ્વારા શિખર સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.




હરિયાણા ભાજપની નેતા અને જાણીતી સિંગર-ડાંસર સપના ચૌધરીએ કાર્યક્રમમાં કહ્યું કે, હું ક્યારેય કોંગ્રેસમાં સામેલ થવા નહોતી ગઈ માત્ર પ્રિયંકા ગાંધીને મળવા ગઈ હતી. મને જાણ કર્યા વગર કોંગ્રેસમાં સામેલ કરી દેવામાં આવી હતી, બાદમાં પત્રકાર પરિષદ કરીને મારે સ્પષ્ટતા કરવી પડી હતી. કોંગ્રેસ માત્ર તેના અંગે જ વિચારે છે,  હું ખૂબ વિચાર કર્યા બાદ ભાજપમાં જોડાઈ છું. ભાજપમાં સામેલ થવામાં મારે 4 મહિના લાગ્યા. તેણે એમ પણ કહ્યું કે હું રાહુલ ગાંધીને ક્યારેય મળવા માંગતી નથી. મને કોંગ્રેસની નીતિઓ પસંદ નથી. ભાજપમાં મને મોદી પસંદ છે, તેમણે દેશની દીકરીઓ માટે ખૂબ કામ કર્યું છે.



હરિયાણા વિધાનસભા ચૂંટણી લડવા અંગે કહ્યું, હજુ સુધી કોઈ વિચાર કર્યો નથી પરંતુ પાર્ટી જે કહેશે તે કરવા તૈયાર છું. પ્રચાર કરવાનો આદેશ આપશે તો પ્રચાર કરીશ, ચૂંટણી લડવાનું કહેશે તો ચૂંટણી લડીશ. મનોજ તિવારી સાથે મારી જૂની ઓળખાણ છે, તે મને દીકરી સમાન ગણે છે. મારે જ્યારે પણ કોઈ સલાહ લેવાની હોય તો હું તેમની પાસે જાઉ છું. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)