નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ટીએમસી માટે ચૂંટણી પ્રચાર કરી રહેલા બાંગ્લાદેશી એક્ટર ફિરદૌસ પર તવાઇ આવી છે, ફિરદૌસને ભારત છોડવાનો તાત્કાલિક આદેશ આપવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે તેને નૉટિસ ફટકારીને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. ગૃહ મંત્રાલયે ફિરદૌસના બિઝનેસ વિઝા પણ રદ્દ કરી દીધા છે. રિપોર્ટ અનુસાર તેને બ્લેકલિસ્ટ પણ કરી દેવામાં આવ્યો છે.




બાંગ્લાદેશી એક્ટર ફિરદૌસે ટીએમસી માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો, ત્યારબાદ ગૃહ મંત્રાલયે સિલીગુડ્ડી તંત્ર પાસે રિપોર્ટ પણ માંગ્યો હતો.

બાંગ્લાદેશી અભિનેતા ફિરદૌસ અહેમદે ઉત્તર દિનાજપુર જિલ્લામાં ટીએમસીની રાયગંજ લોકસભાના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. બીજેપીએ આના પર મોટી આપત્તિ દર્શાવી હતી. આ મામલે ગૃહ મંત્રાલયે રિપોર્ટ માંગ્યો હતો. ગૃહ મંત્રાલયે પુછ્યુ હતું કે શું બાંગ્લાદેશી એક્ટરે પ્રચાર કર્યો હતો?



ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશી એક્ટર ફિરદૌશ અહેમદ બિઝનેસ વિઝા પર ભારત આવ્યો હતો, અને તેને આનાથી ઉપરવટ જઇને પશ્ચિમ બંગાળમાં ટીએમસી માટે પ્રચાર કર્યો હતો, જે કાયદાનું ઉલ્લંઘન હતું.