મોદી ફરીથી વડાપ્રધાન નહી બને તો હું આત્મહત્યા કરી લઇશઃ વસીમ રિઝવી
abpasmita.in | 30 Apr 2019 09:04 PM (IST)
વસીમ રિઝવીએ એક નિવેદન જાહેર કરી કહ્યું કે, જો 2019માં નરેન્દ્ર મોદી ફરીવાર દેશના વડાપ્રધાન નહી બને તો હું અયોધ્યામાં રામ મંદિરના ગેટ પાસે જઇને આત્મહત્યા કરી લઇશ.
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના અધ્યક્ષ સૈયદ વસીમ રિઝવીએ કહ્યું હતું કે, જો નરેન્દ્ર મોદી બીજીવાર વડાપ્રધાન નહી બને તો તેઓ આત્મહત્યા કરી લેશે. વસીમ રિઝવીએ એક નિવેદન જાહેર કરી કહ્યું કે, જો 2019માં નરેન્દ્ર મોદી ફરીવાર દેશના વડાપ્રધાન નહી બને તો હું અયોધ્યામાં રામ મંદિરના ગેટ પાસે જઇને આત્મહત્યા કરી લઇશ. તેમણે કહ્યું કે, જો 2019માં કોઇ અન્ય રાજકીય પક્ષનો નેતા દેશદ્રોહીયોની મદદથી વડાપ્રધાન બનશે તો હું આત્મહત્યા કરી લઇશ. કારણ કે દેશદ્રોહીઓના હાથથી મોત મળે એના કરતા ઇજ્જતથી મરવું સારુ. રિઝવીએ કહ્યું કે, દેશપ્રેમીઓમાં નરેન્દ્ર મોદી પ્રત્યે પ્રેમ છે તો ગદ્દારોમાં ડર છે. તે દેશના કુશળ વડાપ્રધાન છે. રિઝવીએ કહ્યું કે, રાષ્ટ્ર તમામ ધર્મથી ઉપર હોય છે. જ્યારે પણ હું રાષ્ટ્રહિતની કોઇ વાત કરું છું તો કટ્ટરપંથી મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. તે કહે છે કે મોદી સરકારને જવા દો અમે તારા કટકે-કટકા કરી નાખીશું. વસીમ રિઝવી રામ મંદિરને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. જેમણે તાજેતરમાં જ મદરેસાઓને લઇને નિવેદન આપ્યું હતું જેને લઇને તેમને ધમકીઓ મળવા લાગી હતી. રિઝવીએ જાન્યુઆરી મહિનામાં મદરેસાના શિક્ષણ પર સવાલ ઉઠાવ્યા હતા.