નવી દિલ્હીઃ કાશ્મીરના મુદ્દાને લઈને પૂર્વ ક્રિકેટર અને ભાજપ નેતા ગૌતમ ગંભીરે ટ્વિટર પર જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી પર પ્રહાર કર્યા છે. ત્યાર બાદ ગૌતમ ગંભીર અને પીડીપી ચીફ મુફ્તીની વચ્ચે ટ્વિટર પર રકઝક થઈ હતી. બાદમાં મહેબૂબાએ ગંભીરને ટ્વિટર પર બ્લોક કરી દીધો.


370 કલમને લઈને મહેબૂબાએ ટ્વિટર પર લખ્યું હતું કે, ના સમજોગે તો મિટ જાઓગે એ હિન્દુસ્તાન વાલો. તુમ્હારી દાસ્તા તક ભી ના હોગી દાસ્તાનો મેં. મહેબુબાના આ ટ્વિટ પર ગંભીરે વળતો જવાબ આપતા કહ્યું હતું કે આ ભારત છે કોઈ દાગ નથી જે તમારી જેમ જતા રહેશે. ગંભીરના આ જવાબ પછી મહેબુબા ભડકી હતી અને ગંભીરની ક્રિકેટ કારકિર્દી પર સવાલ ઉઠાવતા લખ્યું હતું કે આશા કરી રહી છું કે ભાજપમાં તમારી રાજનીતિક ઇનિંગ્સ ક્રિકેટની જેમ નાની નહીં હોય.


આ પછી ગંભીરે લખ્યું હતું કે ઓહ! તો તમે મારા ટ્વિટર હેન્ડલને અનબ્લોક કરી દીધું છે. તમારે મારા ટ્વિટનો જવાબ આપવા 10 કલાક લાગી ગયા!!!ઘણું ધીમું. આ તમારા વ્યક્તિત્વમાં ઉંડાણની ખોટ દર્શાવે છે. કોઈ આશ્ચર્ય નથી કે તમે લોકો હાથમાં મુદ્દાને હલ કરવાને લઈને સંઘર્ષ કર્યો છે. ગંભીરની આ કોમેન્ટનો જવાબ આપી મહેબુબાએ તેને ટ્વિટર ઉપર બ્લોક કરી દીધો હતો.