નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન અભિનેતામાંથી નેતા બનેલા સાઉથના સુપર સ્ટાર કમલ હાસને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેના આ નિવેદન પર વિવાદ થઇ શકે છે.


કમલ હાસને તમિલનાડુના અરાવાકુરુટચી વિધાનસભામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું કે, આઝાદ ભારતનો પ્રથમ આતંકવાદી હિન્દુ હતો. જેનું નામ નાથુરામ ગોડ્સે છે. નાથુરામ ગોડ્સેએ મહાત્મા ગાંધીને ગોળી મારી હત્યા કરી હતી. કમલ હસને તમિલ ભાષામાં આ નિવેદન આપ્યું છે. હાસને કહ્યું કે, "હું આ વાત એટલા માટે નથી કહી રહ્યો કેમકે આ મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર છે. પરંતુ એટલે કહી રહ્યો છું કે કેમકે મારી સામે ગાંધીની પ્રતિમા છે." હાસને કહ્યું કે તે જ હત્યાનો જવાબ શોધવા આવ્યા છે.


હાસને વધુમાં કહ્યું કે, "હું એક એવા ભારત ઈચ્છુ છું જ્યાં તમામને બરાબરી મળે. હું એક સારો ભારતીય છું અને હું તો એ જ ઈચ્છું છું." હાસન આ પહેલાં નવેમ્બર 2017માં પણ હિંદુ કટ્ટરવાદ પર નિવેદન આપીને વિવાદોમાં આવ્યા હતા.  કમલ હાસને આશરે એક વર્ષ પહેલા રાજકીય પાર્ટી લોન્ચ કરી હતી. જેનો મતલબ ગ્રામીણ તમિલનાડુના વિકાસ અને ભ્રષ્ટાચાર સામે લડાઇ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો છે.

કમલ હાસનના નિવેદન પર ભાજપે ઉગ્ર વિરોધ કર્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ તમિલસઇ સૌંદરરાજને ટ્વીટ કરી કહ્યું કે ગાંધીની હત્યા અને હિંદુ આતંકવાદનો મામલ હાલ ઉઠાવવો નિંદનીય છે. તમિલનાડુની પેટાચૂંટણી પહેલાં અલ્પસંખ્યકોના વોટ મેળવવા માટે આ વાથ ઉઠાવીને હાસને આગ સાથે રમત રમી છે. તેઓએ શ્રીલંકામાં થયેલાં બોમ્બ બ્લાસ્ટ પર પોતાનો કોઈ જ પ્રતિભાવ ન આપ્યો.