નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોઇ પણ પાર્ટીને બહુમત મળતી નજરે આવતી નથી. આ સ્થિતિમાં ચૌટાલા પરિવાર કિંગમેકરની ભૂમિકામાં નજરે પડે છે. વિધાનસભા ચૂંટણીમાં ઈનેલોથી અલગ થઈને જેજેપી બનાવનારા દુષ્યંત ચૌટાલા આશરે 10 વિધાનસભા સીટ પર લીડમાં છે. જ્યારે ઈનેલોને પાંચ સીટ મળતી નજરે પડી રહી છે. આ સ્થિતિમાં ચૌટાલા પરિવાર ફરી એક થશે તો તેમના વગર કોઇપણ પાર્ટી સરકાર નહીં બનાવી શકે.


હરિયાણાની 90 વિધાનસભા સીટ પર આવેલા વલણ મુજબ બીજેપી 40, કોંગ્રેસ 30, જેજેપી 10 અને અન્ય 10 સીટ પર લીડમાં છે. જેમાંથી પાંચ સીટો ઈનોલો આગળ છે. આ સ્થિતિમાં બહુમત માટે 46 સીટ જોઈએ.  હરિયાણાનું ચિત્ર જેવું જોવા મળી રહ્યું છે તેમાં જેજેપી અને ઈનેલો મહત્વની ભૂમિકામાં છે.

હરિયાણાના રાજકારણમાં ચૌધરી દેવીલાલની બોલબાલા હતા. 32 વર્ષ બાદ તેમનો રાજકીય વારસો સંભાળી રહેલા ચૌટાલા પરિવાર બે ભાગમાં વહેંચાઈ ગયો છે. ઈનેલોની કમાન ઓમ પ્રકાશ ચૌટાલા અને તેના નાના પુત્ર અભય ચૌટાલાના હાથમાં છે. જયારે ભત્રીજા દુષ્યંત ચૌટાલાએ અલગ પાર્ટી બનાવી છે અને તે કિંગમેકરની ભૂમિકામાં છે.