નવી દિલ્હીઃ રાજસ્થાનના રામગઢ અને હરિયાણાની ઝિંદ વિધાનસભા પેટી ચૂંટણીની પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે.  રામગઢમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે, ઝિંદમાં કોંગ્રેસ ત્રીજા નંબરે ચાલી રહી છે. ઝિંદમાં મતગણતરી કેન્દ્રની બહાર પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

રામગઢ પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો. કોંગ્રેસના ઉમેદવાર સાફિયા ઝુબેરનો 12228 મતથી વિજય થયો હતો. સાફિયાને 83311 અને ભાજપના સુખવંત સિંહને 71083 વોટ મળ્યા હતા. રામગઢ પેટા ચૂંટણી જીતનારા કોંગ્રેસના ઉમેદવાર સાફિયા ઝુબૈરે પણ લોકોનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, હું કામ કરવામાં વિશ્વાસ રાખું છું. આથી લોકોએ મારા પર ભરોસો મુક્યો છે. હું લોકોની અપેક્ષા પર ખરી ઉતરવાની પૂરી કોશિશ કરીશ.

રામગઢ વિધાનસભા સીટ પર કોંગ્રેંસની જીત બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું કે, જનતાએ સરકારને બહુમત આપીને સારો નિર્ણય કર્યો છે. બહુમત આપવા બદલ ધન્યવાદ. આ જીત બાદ હવે પાર્ટી લોકસભા ચૂંઠણી પર ધ્યાન કેન્દ્રીત કરશે.

ઝિંદ પેટાચૂંટણીમાં કુલ 21 ઉમેદવારો મેદાનમાં છે. 28 જાન્યુઆરીએ થયેલા વોટિંગમાં કુલ 75.77 ટકા મતદાન થયું હતું., કોંગ્રેસે તેના પ્રવક્તા રણદીપ સુરજેવાલાને ઉમેદવાર બનાવ્યા છે. ઈનેલાના ધારાસભ્ય હરિચંદ મિડ્ઢાના મોત બાદ આ સીટ ખાલી પડી હતી. તેમના પુત્ર કૃષ્ણ મિડ્ઢા તાજેતરમાં જ બીજેપીમાં સામેલ થયા હતા અને ભાજપે તેમને ટિકિટ આપી હતી.

સાત ડિસેમ્બરે રાજસ્થાનની વિધાનસભાની યોજાયેલી પેટા ચૂંટણી પહેલા પૂર્વ રામગઢ વિધાનસભા સીટ પરથી બીએસપી ઉમેદવાર લક્ષ્મણ સિંહનું મોત થતાં આ સીટની ચૂંટણી સ્થગિત કરી દેવામાં આવી હતી. જે બાદ અહીંયા 28 જાન્યુઆરીએ વોટિંગ થયું હતું. જેમાં 78.9 ટકા મતદાન થયું હતુ. અહીંયા બે મહિલા સહિત 20 ઉમેદવારો મેદાનમાં છે. બીએસપીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી નટવર સિંહના પુત્ર જગત સિંહને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસે અલવરની પૂર્વ જિલ્લા પ્રમુખ સાફિયા ઝુબેર ખાન અને બીજેપીએ પૂર્વ પ્રધાન સુખવંત સિંહને ટિકિટ આપી હતી.