નવી દિલ્હી: ગોવામાં મુલાકાત બાદ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ રક્ષામંત્રી અને મુખ્યમંત્રી મનોહર પર્રિકર વચ્ચે વાક યુદ્ધ શરૂ થઇ ગયું છે. રાફેલ ડીલ અંગેના દાવા પર મનોહર પર્રિકર તરફથી લખવામાં આવેલા પત્રનો વળતો જવાબ હવે રાહુલે આપ્યો છે. રાહુલે પર્રિકરને લખેલા પત્રમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે વફાદારી દેખાડવાના દબાણમાં મારા પર નિશાન સાધવામાં આવ્યું.


સીએમ પર્રિકરને રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું કે, “મને તમારી સ્થિતિથી સહાનુભૂતિ છે, હું સમજૂ છું કે કાલે આપણી વચ્ચે થયેલી મુલાકાત બાદ તમારા પર કેટલું દબાણ છે. દબાણના કારણે પર્રિકરને વડાપ્રધાન અને તેમના સાથીઓ પ્રતિ વફાદારી બતાવવા માટે અવ્યવહારીક ઢંગથી મારા પર નિશાન સાંધવાનું અસામાન્ય પગલું ઉઠાવવું પડ્યું. ”





રાહુલે કહ્યું કેૉ, “પર્રિકરજી, હું આ સાંભળીને હેરાન છું કે તમે મને કોઈ પત્ર લખ્યો અને તેને વાંચવાની મને તક મળે તે પહેલા જ મીડિયા સામે લીક કરી દીધો. સન્માન સાથે કહેવા માંગુ છું કે તમારી સાથેની મારી મુલાકાત ખાનગી હતી. નિ:સંદેહ તમને યાદ હશે કે જ્યારે તમારી અમેરિકામાં સારવાર ચાલી રહી હતી ત્યારે પણ મે તમારી તબિયત વિશે જાણવા માટે સંપર્ક કર્યો હતો.


અલબત, હું એક જનપ્રતિનિધિ છું. રાફેલ ડીલમાં એક ભ્રષ્ટ પ્રધાનમંત્રીની બેઇમાનીને લઇને તેમના પર પ્રહાર કરવો મારો અધિકાર છે. મે એજ વાતો કહી છે જે પહેલેથી જ સાર્વજનિક છે. મે આપણી મુલાકાત દરમિયાન થયેલી વાતચીતની કોઈ જ જાણકારી જાહેર નથી કરી. મને અનાવશ્યક અને દુર્ભાગ્યપૂર્ણ વિવાદ પર બોલવા માટે મજબૂર થવું પડ્યું કારણ કે પત્ર મીડિયામાં લીક થઈ ગયો હતો. હું તમારું સ્વાસ્થ્ય જલ્દી સારું થાય તેવી કામના કરું છું.


ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી બિમાર ચાલી રહેલા સીએમ મનોહર પરિકર સાથે રાહુલ ગાંધીએ મંગળવારે મુલાકાત કરી હતી. પરિકર સાથે મુલાકાત બાદ રાહુલે કહ્યું હતું કે, મે ગઇકાલે પરિકર સાથે મુલાકાત કરી, જેમાં પરિકરજીએ ખુદ કહ્યું હતું કે ડિલ બદલતી વખતે પીએમ મોદીએ ભારતના રક્ષામંત્રીને પૂછ્યું ન હતું. રાહુલે આગળ કહ્યું કે રાફેલ પર 3-4 સવાલો કર્યા હતા. મોટા સવાલ ન હતા. પરંતુ ચોકીદાર આંખામાં આંખ મીલાવી શક્યા ન હતા.


જેના બાદ રાહુલ ગાંધીના દાવાને લઇને પરિકરે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં કહ્યું કે રાહુલ ગાંધી સાથે તેઓની માત્ર પાંચ મિનિટ વાત થઇ હતી અને આ મુલાકાતમાં રાફેલ ડીલ મુદ્દે કોઈ જ વાત નહતી થઇ. પર્રિકરે કહ્યું કે પોતાના રાજકીય ફાયદા માટે રાહુલ ગાંધીએ દેશ સામે ખોટું બોલ્યા છે. ત્યારે હવે રાહુલ ગાંધીએ પર્રિકરના પત્રનો વળતો જવાબ આપ્યો છે.