નવી દિલ્હીઃ કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ ગુરુવારે લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન એક મોટું નિવેદન આપ્યું છે. કુમારસ્વામીએ કર્ણાટકમાં આયોજીત એક જનસભામાં કહ્યું કે, કોગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેને પહેલા જ રાજ્યના મુખ્યમંત્રી બનાવવા જોઇતા હતા અને તેમની સાથે કથિત રીતે અન્યાય થયો છે. ખડગેની હાજરીમાં એક રેલીમાં કુમારસ્વામીએ આ નિવેદન આપ્યું હતું. નોંધનીય છે કે કોગ્રેસના કેટલાક ધારાસભ્યો સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે.


કુમારસ્વામીએ કહ્યું કે, મલ્લિકાર્જુન ખડગેને ઘણા સમય અગાઉ મુખ્યમંત્રી બનાવવા જોઇતા હતા. હું અનુભવું છું કે તેમની સાથે અન્યાય થયો છે અને હું સ્પષ્ટ રીતે કહું છું કે, ખડગેએ જેટલું કર્યું છે તેટલી ઓળખ તેમને મળી નથી.

સિદ્ધારમૈયાએ પોતાને ફરીથી મુખ્યમંત્રી બનાવવાની સમર્થકોની માંગને સ્નેહ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, તે આગામી વિધાનસભા ચૂંટણી નહી લડવાના નિવેદન પર કાયમ છે. નોંધનીય છે કે કર્ણાટકની ચિંચોલી વિધાનસભા ક્ષેત્રમાં 19મેના રોજ પેટાચૂંટણી છે અને આ ક્રમમાં કુમારસ્વામી સભા સંબોધવા પહોંચ્યા હતા.