બીજા તબક્કાની 95 બેઠકોમાં તમિલનાડુની 38, કર્ણાટકની 14 અને મહારાષ્ટ્રની 10 બેઠકો સામેલ છે. આ ઉપરાંત આસામ, બિહાર અને ઓડિશામાં પાંચ-પાંચ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં ત્રણ-ત્રણ, જમ્મુ-કાશ્મીરમાં બે બેઠકો પર મતદાન થયું. જ્યારે મણિપુર, ત્રિપુરા અને પુડુચેરીની એક-એક બેઠક પર વોટિંગ થયું. આ ઉપરાંત ઓડિશામાં વિધાનસભાની 35 બેઠકો માટે પણ લોકસભાની સાથે જ મતદાન થયું છે.
બીજા તબક્કાની 95 સીટો કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી ભાજપ માટે ખૂબ મહત્વની છે. કારણકે આ 95 સીટમાંથી 55 સીટો પર ભાજપ ક્યારેય જીતી શક્યું નથી. તેમાં પણ તમિલનાડુની 39 સીટો ભાજપ માટે ખૂબ મહત્વની છે. તમિલનાડુની 35 સીટો પર ભાજપ ક્યારેય જીતી શક્યું નથી. તમિલનાડુમાં એમ કરુણાનિધિ અને જયલલિતા વગર પ્રથમ લોકસભા ચૂંટણી છે.
બીજા તબક્કામાં કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે, યુપી કોંગ્રેસ ચીફ અને ફેતપુર સિક્રીના ઉમેદવાર રાજ બબ્બર, પૂર્વ PM એચડી દેવગૌડા સહિત રક્ષામંત્રી નિર્મલા સીતારમણે મત આપ્યો. આ સિવાય પડ્ડુચેરીના રાજ્યપાલ કિરણ બેદીએ પણ વોટિંગ કર્યું હતું. કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે તમિલનાડુમાં શિવગંગાનગરના કરાઇકુડિ પોલિંગ સ્ટેશનમાં વોટિંગ કર્યુ. કમલ હસને પુત્રી શ્રુતિ સાથે વોટિંગ કર્યું હતું. સાથે તમિલના સુપર સ્ટાર રજનીકાંતે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.