નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનો છઠ્ઠા તબક્કા માટે આજે 7 રાજ્યોની 59 સીટ પર મતદાન યોજાયું હતું.  ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ 63.43% મતદાન નોંધાયું હતું. સૌથી વધુ બંગાળમાં 80.35% મતદાન થયું છે. દિલ્હીમાં 59.74%, હરિયાણામાં 68.17%, ઉત્તરપ્રદેશમાં 54.72%, બિહારમાં 59.29%, ઝારખંડમાં 64.50% અને મધ્યપ્રદેશમાં 64.55% વોટિંગ થયું છે.




પૂર્વ ક્રિકેટર અને પૂર્વી દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરે પત્ની સાથે મતદાન કર્યું હતું. ગંભીરે લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. તેણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, મે મારુ કામ પુરુ કર્યું છે હવે તમારો વારો છે.  તે સિવાય દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ પૂર્વી દિલ્હીના પાંડવ નગરમાં મત આપવા પહોંચ્યા હતા.



ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ હરિયાણાના ગુરુગ્રામમાં મતદાન કર્યું હતું. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી પત્ની સાથે નવી દિલ્હી બેઠકના નિર્માણ ભવન સ્થિત મતદાન મથક પર મત આપવા પહોંચ્યા હતા. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ જીતનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે, રોહતકથી તેમનો દીકરો દીપેન્દ્ર હુડ્ડા અને સોનીપતથી તે મોટા અંતરથી ચૂંટણી જીતશે.