હૈદરાબાદ: આઈપીએલ સીઝન 12નો ફાઈનલ મુકાબલો રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે થશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ત્યારે આ ફાઇનલ બાદ વિજેતા ટીમ અને રનર્સ અપ રહેનારી ટીમ પર ઇનામોનો વરસાદ થશે.




આઈપીએલ સીઝન 12માં ચેમ્પિયન બનનારી ટીમને 20 કરોડ રૂપિયાનું ઈનામ મળશે. જ્યારે ફાઇનલમાં હારનારી ટીમ પણ 12.5 કરોડ રૂપિયાના ઈનામની હકદાર બનશે. આ સિવાય અલગ અલગ વર્ગોમાં પણ ઇનામોનો વરસાદ થશે.



આ સિવાય ઓરેન્જ કેપ (સર્વાધિક રન) અને પર્પલ કેપ (સર્વાધિક વિકેટ) વિજેતાને  10-10 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. સાથે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ ખેલાડીને 10 લાખ રૂપિયા. ઈમર્જિંગ પ્લેયર ઓવોર્ડ વિજેતાને 10 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવશે.



આઈપીએલ 2019ની વાત કરીએ તો અત્યાર સુધી ટોપ ફાઈવ બેટ્સમેનોમાં ડેવિડ વોર્નર(હૈદરાબાદ) 12 મેચમાં 692 રન, લોકેશ રાહુલ(પંજાબ) 14 મેચમાં 593 રન, શિખર ધવન (દિલ્હી) 16 મેચમાં 521 રન, આંદ્ર રસેલ (કોલકત્તા) 14 મેચમાં 510 રન અને ક્વિંટન ડિ કોક (મુંબઈ) 15 મેચમાં 500 રન બનાવ્યા છે.


જ્યારે ટોપ ફાઈવ બોલરોમાં કેગિસો રબાડા(દિલ્હી) 12 મેચમાં 25 વિકેટ ઝડપી હતી. તેના બાદ ઇમરાન તાહિર (ચેન્નઇ) 16 મેચમાં 24 વિકેટ, શ્રેયસ ગોપાલ (રાજસ્થાન) 14 મેચમાં 20 વિકેટ, દિપક ચહર (ચેન્નઈ) 16 મેચમાં 19 વિકેટ અને ખલીલ અહમદે(હૈદરાબાદ) 9 મેચમાં 19 વિકેટ ઝડપી હતી.


ચેન્નાઇ સુપર કિંગ્સ આઈપીએલમાં આઠ વખત ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. જેમાંથી ત્રણ વખત તે આઈપીએલ ખિતાબ પોતાના નામે કરી ચુકી છે. 2010 અને 2011માં સતત બે વખત ખિતાબ પર કબજો કર્યો હતો. જે પછી 2018માં પણ ચેન્નાઈએ ખિતાબ જીત્યો હતો. જ્યારે મુંબઈ પણ ત્રણ વખત ચેમ્પિયન રહી ચુકી છે.