નવી દિલ્હીઃ ભાજપના 39મી સ્થાપના દિવસ પર પાર્ટીના કદ્દાવર નેતા શત્રુઘ્ન સિન્હા શનિવારે કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપ નેતૃત્વની સાથે લાંબા સમયથી નારાજ ચાલી રહેલ શત્રુઘ્ન સિન્હા દિલ્હીમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ દરમિયાન કોંગ્રેસ તરફતી પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા, બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ, પાર્ટીના વરિષ્ઠ નેતા કે સી વેણુગોપાલ હાજર હતા.


રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, કોંગ્રેસ એક પક્ષ સાથે એક વિચારધારા પણ છે. શત્રુઘ્ન સિન્હાના આધ્યાત્મિક અને બૌદ્ધિક તરીકે મહાત્મા ગાંધીના વિચારો સાથે સંકળાયેલા રહ્યા છે. શક્તિ સિંહ ગોહિલે કહ્યું, શત્રુઘ્ન સારા નેતા છે. બોલિવૂડમાં સુપર સ્ટાર છે. તેમનું કોંગ્રેસ પરિવારમાં સ્વાગત છે. ભાજપે આ વખતે પટના સાહિબથી રવિશંકર પ્રસાદને ઉમેદવાર જાહેર કર્યા છે.


શત્રુઘ્ન સિન્હાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, ભારે હ્રદયથી અને ખૂબ પીડા સાથે અંતે હું મારી જૂની પાર્ટીને અલવિદા કહી રહ્યો છું. 6 એપ્રિલે, જે આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ કે આ દિવસે બીજેપીનો સ્થાપના દિવસ પણ છે. પાર્ટીના લોકો મારા માટે પરિવાર સમાન છે.

શત્રુઘ્ન સિંહાએ કોંગ્રેસમાં જોડાવા અંગે જણાવ્યું કે મારો કોંગ્રેસમાં પ્રવેશ કરાવવામાં લાલુ પ્રસાદ યાદવની મહત્વની ભૂમિકા રહી. તેમણે વધુમાં જણાવ્યું કે, ‘આજે ભાજપનો 49માં સ્થાપના દિવસ છે. આજે પક્ષને છોડવો મારા માટે દુ:ખદ રહ્યું છે. જ્યારે હું જય પ્રકાશ નારાયણને મળ્યો હતો તો તેમણે નાનાજી દેશમુખ સાથે મારો પરિચય કરાવ્યો હતો. ભારત રત્ન નાનાજીએ મારો રાજકીય ઉછેર કર્યો હતો. તેમણે મને અટલજી સાથે મળાવ્યા અને મે ભાજપ માટે કામ કરવાનો નિર્ણય કર્યો હતો. આ જ પક્ષમાં મારી મુલાકાત ગુરુ અને માર્ગદર્શક અડવાણીજી સાથે પણ થઈ.’

શત્રુએ વર્તમાન ભાજપ સરકાર પર વાકપ્રહાર કરતા જણાવ્યું કે, ‘મે લોકશાહીને તાનાશાહીમાં તબદીલ થતા જોઈ છે. ભાજપ વન મેન આર્મી અને ટુ મેન શો બની ગયો છે.’ શત્રુઘ્નએ અડવાણી, મુરલી મનોહર જોશી અને અરુણ શૌરીની સ્થિતિ અંગે પણ ભાજપની ઝાટકણી કાઢી હતી. શોટગને વધુમાં જણાવ્યું કે, ‘ત્યાં મંત્રીઓ હોવા છતા પીએમઓથી સરકાર ચાલેછે. તમામ લોકો ડરેલા છે. પાર્ટીએ સ્માર્ટ સિટીનું વચન પણ પૂર્ણ નથી કર્યું.’