Lok Sabha Election Result 2024: દેશભરમાં લોકસભા ચૂંટણી માટે પરિણામો આવી રહ્યાં છે. શરૂઆતી ટ્રેન્ડ શરૂ થઇ ચૂક્યા છે. લોકસભા ચૂંટણીમાં યુપીના અમેઠીમાંથી ભાજપને ઝટકો મળી શકે છે. શરૂઆતી વલણોમાં કોંગ્રેસના કિશોરી લાલ શર્મા ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીથી આગળ છે.


સવારે 10 વાગ્યા સુધીના ચૂંટણી પંચના આંકડા અનુસાર, કિશોરી લાલ શર્મા 13 હજાર 954 મતોથી સ્મૃતિ ઈરાનીથી આગળ છે. કિશોરી લાલ શર્માને અત્યાર સુધીમાં 43 હજાર 76 વોટ મળ્યા છે. જ્યારે સ્મૃતિ ઈરાનીને 29 હજાર 122 વોટ મળ્યા છે.


સ્મૃતિ ઇરાનીએ ગઇ લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને હરાવ્યા હતા 
સ્મૃતિ ઈરાનીએ ગત લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ (યુપી)ના અમેઠીથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવ્યા હતા, પરંતુ આ વખતે કોંગ્રેસે ગાંધી પરિવારના નજીકના કિશોરી લાલ શર્માને ટિકિટ આપી છે.


કિશોરી લાલા શર્મા કોણ છે ? 
કિશોરી લાલ શર્મા ગાંધી પરિવારના સૌથી નજીકના લોકોમાંથી એક છે. કિશોરી લાલ શર્માનો જન્મ લુધિયાણામાં થયો હતો, તેઓ રાજીવ ગાંધીના નજીક હતા, તેઓ તેમની સાથે પહેલીવાર અમેઠી આવ્યા હતા અને ત્યારથી તેઓ અહીં જ રહ્યા હતા.


જ્યારથી કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સાંસદ બન્યા છે, ત્યારથી કેએલ શર્મા અમેઠી અને રાયબરેલી બેઠકો પર ગ્રાઉન્ડ વર્ક કરવાની અને કરાવવાની સંપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છે. આ કારણે સ્થાનિક લોકો પણ તેને ઓળખે છે. અમેઠીથી ટિકિટ મળવા પર તેમણે કહ્યું કે કોંગ્રેસે નાના કાર્યકરને મોટી જવાબદારી આપી છે.


કોંગ્રેસને શું લાગે છે ?
સમાચાર એજન્સી IANSના અહેવાલ મુજબ, કિશોરી લાલ જાતિના સમીકરણમાં પણ બંધબેસે છે. અમેઠીમાં દલિતો (26 ટકા), મુસ્લિમો (20 ટકા) અને બ્રાહ્મણો (18 ટકા) પ્રભુત્વ ધરાવે છે. કોંગ્રેસને લાગે છે કે કેએલ શર્માને જાતિના સમીકરણોનો ફાયદો થઈ શકે છે.