લોકસભા ચૂંટણી 2024ના પરિણામોના દિવસે મંગળવારે શેરબજાર નવા રેકોર્ડ બનાવી શકે છે. સોમવારે એક દિવસ અગાઉ જોવા મળેલી શાનદાર તેજી આજે પણ યથાવત રહેવાની ધારણા છે. બજાર ખુલતા પહેલાના સંકેતો હજુ પણ સકારાત્મક દેખાઈ રહ્યા છે.


ગિફ્ટ નિફ્ટી મજબૂત સંકેતો આપી રહી છે


સવારે ગિફ્ટી સિટીમાં નિફ્ટી ફ્યુચર લગભગ 150 પોઈન્ટના વધારા સાથે 23,560 પોઈન્ટની સપાટીએ પહોંચી ગયો છે. આ દર્શાવે છે કે આજે પણ ભારતીય બજારો મજબૂત શરૂઆત કરવાના છે. જો કે, વાસ્તવિક શરૂઆત કેવી રીતે થાય છે તે લોકસભા ચૂંટણીના પરિણામોના પ્રારંભિક વલણો શું સૂચવે છે તેના પર નિર્ભર રહેશે.


બજાર ખુલશે ત્યાં સુધીમાં ટ્રેન્ડ આવશે


છેલ્લા બે મહિનાથી દેશભરમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી બાદ આજે મતગણતરી થઈ રહી છે. પોસ્ટલ બેલેટની મતગણતરી  સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. હવે બજાર સવારે 9.15 વાગ્યે ખુલશે ત્યાં સુધીમાં પ્રારંભિક વલણો સામે આવશે. જો બજારના અંદાજ મુજબ શરૂઆતી વલણો જળવાઈ રહે તો આજે પણ બજારમાં એક દિવસ પહેલાની શાનદાર તેજીનું પુનરાવર્તન જોવા મળી શકે છે.


સેન્સેક્સ નવી ઓલ ટાઈમ હાઈ


સોમવારે BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ નવા રેકોર્ડ બનાવ્યા હતા. સેન્સેક્સ 2,507.47 પોઈન્ટ (3.39 ટકા)ના વધારા સાથે 76,468.78 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. તે પહેલા, સત્ર દરમિયાન એક સમયે સેન્સેક્સ 2600 થી વધુ પોઈન્ટ્સ વધ્યો હતો અને 76,738.89 પોઈન્ટની નવી ટોચની સપાટીને સ્પર્શ્યો હતો.


નિફ્ટી આ સ્તરે બંધ રહ્યો હતો


એ જ રીતે, 23,338.70 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શ્યા બાદ, NSEનો નિફ્ટી ઈન્ડેક્સ 733.20 પોઈન્ટ અથવા 3.25 ટકાના જંગી ઉછાળા સાથે આખરે 23,263.90 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. ગઈકાલના ટ્રેડિંગમાં નિફ્ટી બેંક ઈન્ડેક્સ  પ્રથમવાર 50 હજારની સપાટીને પાર કરવામાં સફળ રહ્યો હતો.


પ્રોફિટ બુકિંગની અસર પણ જોવા મળી શકે છે


એક્ઝિટ પોલ્સે મોદી સરકારની  વાપસીનો સંકેત આપતાં બજારમાં ઉત્સાહ હતો. જો એક્ઝિટ પોલ પ્રમાણે પરિણામ આવે તો બજારમાં સારી તેજી જોવા મળી શકે છે. પરિણામો સારા આવશે તો નિફ્ટી 24 હજાર પોઈન્ટની સપાટી વટાવી જશે તેવી અપેક્ષા કેટલાક વિશ્લેષકો રાખી રહ્યા છે. જોકે માર્કેટમાં ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ પણ જોવા મળી શકે છે. ચૂંટણી પરિણામો પછી, બજારનું ધ્યાન નવી સરકારના પ્રથમ 100 દિવસની નીતિઓ અને આવતા મહિને આવનારા સંપૂર્ણ બજેટ પર જશે.