ગાંધીનગરઃ ગુજરાતની 26 બેઠકોના ઉમેદવાર ચયન પ્રક્રિયા ભાજપે પૂર્ણ કરી છે અને એબીપી અસ્મિતાને હાથ લાગેલી માહિતી પ્રમાણે દિલ્લી તરફની આ દોડમાં ગુજરાતના વર્તમાન 22 સાંસદો ફરી ટિકિટ મેળવવા મેદાને છે. લગભગ 6 જેટલા પૂર્વ સાંસદો અને એટલી જ સંખ્યામાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રીઓના નામ પણ પેનલમાં છે. પ્રદેશ ભાજપના ત્રણ મહામંત્રીઓ સહીત જિલ્લા શહેર પ્રમુખ અને મહામંત્રી જેવા હોદ્દેદારોને પણ તક મળી શકે છે.


આ તરફ વર્તમાન ચાર સાંસદોના પત્તાં કપાય એવા સંજોગો છે. જેમાં નાદુરસ્ત તબિયત અને ઉંમરના કારણો મુખ્ય છે. એલ કે અડવાણી, પરેશ રાવલ, લીલાધર વાઘેલા અને વિઠ્ઠલ રાદડિયાને રિપીટ નહિ કરાય. સામે ત્રણ વર્તમાન સાંસદોએ પોતાની ઉમેદવારી નિશ્ચિત કરી દીધી છે. જસવંતસિંહ ભાભોર, દેવુસિંહ ચૌહાણ અને સી આર પાટીલને ફરી તક અપાશે.



મુખ્યમંત્રી નિવાસસ્થાને ત્રણ દિવસ પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠક ચાલી, જેમાં ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે સંભવિત ઉમેદવારોની પસંદગી અંગે મનોમંથન ચાલ્યું. જો કે ઉમેદવારો અંગે આખરી નિર્ણય કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ લેશે, પરંતુ સંભવિત ઉમેદવારો અંગે એબીપી અસ્મિતાને ચોક્કસ વિગતો હાથ લાગી છે. એ વિગતો પ્રમાણે ત્રણ બેઠકો એવી છે એમાં વર્તમાન સાંસદ સિવાય કોઈ બીજું નામ નથી . આ ત્રણમાં વર્તમાન કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર, નવસારીના સાંસદ સી આર પાટીલ અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ રિપીટ કરવામાં આવે એ નિશ્ચિત મનાઈ રહ્યું છે.



ચાર સાંસદને બદલવામાં આવે એવા પણ યોગ છે, જેમાં ઉંમર અને નાદુરસ્ત તબિયતના કારણો મુખ્ય છે. ગાંધીનગરના સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને રિપીટ ન કરાય પરંતુ તેમના સ્થાને કોઈ રાષ્ટ્રીય નેતા લડી શકે છે ગાંધીનગરની ચૂંટણી. આ સિવાય પાટણના સાંસદ લીલાધર વાઘેલા અને પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાને નાદુરસ્ત તબિયતના કારણે રિપીટ નહિ કરાય. તેવી જ રીતે અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલને પણ પડતા મુકાશે.



સંભવિત ઉમેદવારોની પેનલમાં છ જેટલા પૂર્વ સાંસદોનો સમાવેશ થાય છે, જેમાં દિપક સાથી, જીવાભાઈ પટેલ, નટુજી ઠાકોર, ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ, શંકરભાઈ વેગડ અને રાજેન્દ્રસિંહ રાણાનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારના છ જેટલા પૂર્વ મંત્રીઓ ઉમેદવારીની આ રેસમાં છે, જેમાં રમણ વોરા, આત્મારામ પરમાર, જશુમતીબેન કોરાટ, દિલીપ સંઘાણી, જયસિંહ ચૌહાણ અને શંકર ચૌધરીનો સમાવેશ થાય છે. પ્રદેશ ભાજપના ત્રણ મહામંત્રીઓ શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ભરતસિંહ પરમાર અને કે સી પટેલના નામો પણ સંભવિત ઉમેદવારોની પેનલમાં છે.