ગાંધીનગરઃ આગામી 23મી એપ્રિલે ગુજરાતમાં લોકસભા માટે મતદાન થવાનું છે. ત્યારે ભાજપ દ્વારા 16 ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ તરફથી છ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. નવસારી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે.




આ વખતે ભાજપ દ્વારા નવસારીમાં સી.આર. પાટીલને રિપીટ કરાયા છે. પાટીલ છેલ્લી બે ટર્મથી ભાજપની સીટ પરથી ચૂંટાઇ આવે છે. આ સીટ પર પરપ્રાંતીય મતદારોની સંખ્યા વધારે છે. આ બેઠક પર કોળી મતદારો પણ વધારે છે. ત્યારે સી.આર. પાટીલ આ મતદારો ભારે પ્રભાવ ધરાવે છે. જેને કારણે આ વખતે પણ ભાજપે તેમને ટિકીટ આપી છે.

બીજી તરફ કોંગ્રેસ તરફથી ધર્મેશ પટેલને સી.આર. પાટીલ સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર કોળી પટેલ છે અને હાલ નવસારી જિલ્લા કોંગ્રેસના જનરલ સેક્રેટરી છે. તેમજ તેઓ ગ્રેજ્યુએટ થયેલા છે. અગાઉ વીજલપોર નગરપાલિકામાં પ્રમુખ પદે રહ્યા હતા. છેલ્લે મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં એઆઈસીસીના વિધાનસભા ઓબ્ઝર્વર તરીકે નિમણૂક થઈ હતી.