નવી દિલ્હી: લોકસભા ચૂંટણી શરૂ થવામાં માત્ર 5 દિવસ બાકી છે અને 11 એપ્રિલથી દેશમાં પ્રથમ ચરણનું મતદાન થશે. કૉંગ્રેસે 2 એપ્રિલે પોતાના ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી હતી પરંતુ ભાજપે હજુ સુધી પોતાના ચૂંટણી ઢંઢેરાની જાહેરાત નથી કરી. હવે રિપોર્ટ્સ સામે આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી 8 એપ્રિલે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે.


માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી ઢંઢેરામાં ભાજપ 2014માં કરવામાં આવેલા વાયદાઓમાંથી કેટલાક અઘુરા રહેલા વાયદાઓ પૂરા કરવા માટે વાયદાઓ કરી શકે છે. આ સાથે જ ખેડૂતો માટે, યુવાઓના રોજગાર, મહિલાઓ માટે કેટલીક જાહેરાત કરી શકે છે.

2 એપ્રિલે કૉંગ્રેસે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં વાયદો કરવામાં આવ્યો છે કે જો પાર્ટી સત્તામાં આવશે તો ગરીબોને વર્ષમાં 72 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સાથે રોજગારનો મુદ્દો બીજો સૌથી મોટો મુદ્દો છે. 22 લાખ ખાલી સરકારી પદો એક વર્ષમાં ભર્યા બાદ ગ્રામ્ય વિસ્તારમાં દર વર્ષે 10 લાખ યુવાઓને રોજગારી આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.