હજુ 10 બેઠકનો મામલો ગૂંચવાયેલો છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રભારી ઓમ માથુર ગુજરાત દોડી આવ્યા છે અને ડેમેજ કન્ટ્રોલની કવાયત હાથ ધરી છે. કમલમમાં મોડી સાંજ સુધી બેઠકોનો દોર ચાલ્યો હતો. બાકી રહેલી 10 બેઠક મામલે પણ ઓમ માથુરે સમીક્ષા કરી હતી.
ભાજપના પ્રદેશ પ્રભારી ઓમ માથુરે કમલમ ખાતે વિવિધ સ્તરની બેઠકો યોજી હતી. જેમાં કઈ બેઠકો પર કોને ટીકિટ આપી શકાય અને કોણ નારાજ થઈ શકે તે સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને પોરબંદર બેઠકોમાં હજુ પણ મડાગાંઠની સ્થિતિ છે. મંત્રી જયેશ રાદડિયા ન માને તો તેમના પરિવાર સિવાયની અન્ય વ્યક્તિને ટીકિટ આપવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે.
બનાસકાંઠામાં શંકર ચૌધરી અથવા મંત્રી પરબત પટેલની શક્યતા છે. પાટણમાં મંત્રી દિલીપ ઠાકોરનું નામ લગભગ નક્કી માનવામાં આવે છે. તે જ રીતે મહેસાણામાં પૂર્વ ગૃહ મંત્રી રજની પટેલનું નામ આગળ છે. જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને રિપીટ નહીં કરવાનું નક્કી છે ત્યારે દિનુ સોલંકીની નજીકના કોઈ વ્યક્તિને ટીકિટ આપવાની કવાયત ચાલી રહી છે. પંચમહાલમાં પ્રભાતસિંહ ચૌહાણને રિપીટ ન કરાય પણ તેમના નિકટના કોઈને ટીકિટ મળી શકે છે.
આણંદમાં દિલીપ પટેલના સ્થાને હજુ યોગ્ય ઉમેદવાર પાર્ટીને મળતો નથી. સોમવારે સાંજે ગુજરાત આવી પહોંચેલા ભાજપના પ્રભારી ઓમ માથુરે કહ્યું હતું કે, ટીકિટ ફાળવણી અંગે પાર્ટીમાં કોઇ વિરોધ નથી. બે-ચાર દિવસમાં બાકી રહેલી સીટો પર ઉમેદવારની જાહેરાત કરવામાં આવી શકે છે.