અમદાવાદ: લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસમાં ગરમાવો ચાલી રહ્યો છે. કોંગ્રેસ હજી 13 બેઠકો માટે પોતાના મૂરતિયા શોધી શક્યું નથી જ્યારે ભાજપ માટે પણ 3 બેઠકો એવી છે કે તેના પર પોતાના ઉમેદવારો શોધવા મુશ્કેલ બન્યું છે.

બન્ને પાર્ટીઓ છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી આંતરિક વિખવાદ નિવારશે. બીજી બાજુ ભાજપે અત્યાર સુધી 23 સીટો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ હોવાથી ભાજપના ઘણાં ખરા ઉમેદવારો આજે ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવશે.

ખેડામાંથી દેવુંસિંહ ચૌહાણ નડિયાદ ખાતે કલેક્ટર કચેરીમાં પોતાનું ફોર્મ ભરીને પોતાની ઉમેદવારી નોંધાવશે. તે સમયે કેન્દ્રિય મંત્રી પુરશોત્તમ રૂપાલા તેમની સાથે હાજર રહેશે.

આજે નવસારીમાં સી.આર.પાટીલ પોતાની ઉમેદવારી નોંધાવશે. તે વખતે પૂર્વ મંત્રી મંગુભાઈ પટેલ તેમની સાથે હાજર રહશે. આ ઉપરાંત ભાજપના કાર્યકરો પણ મોટી સંખ્યમાં હાજર રહેશે.

કચ્છમાં મુખ્યમંત્રીની હાજરીમાં વિનોદ ચાવડા આજે પોતાનું ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવશે. આજે ભાવનગરમાં ભારતીબેન શિયાળ પોતાની ઉમેદવારી નોંધાવશે, ત્યારે તેમની સાથે જીતુ વાઘાણી હાજરી આપશે. સાબરકાંઠામાં દિપસિંહ રાઠોડ પણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. તેમની સાથે શંકર ચૌધરી, કે.સી.પટેલ, રમણ પાટકર જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહેશે.

અમદાવાદ પશ્ચિમ બેઠક પર આજે કિરીટ સોલંકી પોતાની ઉમેદવારી નોંધાવશે. તેમની સાથે પ્રદીપસિંહ જાડેજા તેમની સાથે હાજર રહેશે.

પંચમહાલમાંથી રતનસિંહ રાઠોડ પોતાની ઉમેદવારી ફોર્મ ભરશે ત્યારે તેમની સાથે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહેશે.