નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાના એક દિવસ પહેલા સુધી ઇવીએમ પર મચેલો હંગામો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. વિપક્ષો દ્વારા વારંવાર સવાલ ઉઠાવવામાં આવતા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે નિશાન સાધ્યું છે. શાહે સોશિયલ મીડિયા પર વિપક્ષને કુલ 6 સવાલ પૂછ્યા છે. તેમાં ઇવીએમના વિરોધને જનતાના જનાદેશનો અનાદર ગણાવ્યો છે.

શાહે તેના પ્રથમ સવાલમાં પૂછ્યું કે EVMની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવતા મોટાભાગના વિપક્ષોએ ઈવીએમ દ્વારા થયેલી ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. જો તેમને ઈવીએમ પર વિશ્વાસ ન હોય તો આ પક્ષોએ ચૂંટણી જીત્યા બાદ સત્તા કેમ સંભાળી?

બીજા સવાલમાં શાહે લખ્યું કે, દેશની સર્વોચ્ચ અદાલતે દરેક વિધાનસભા ક્ષેત્રમાંથી 5 વીવીપેટની ગણતરી કરવાનો આદેશ આફ્યો છે. તો શું આ લોકોને સર્વોચ્ચ અદાલતના આદેશ પર પણ શંકા છે? ત્રીજા સવાલમાં શાહે લખ્યું, મતગણતરીના માત્ર 2 દિવસ પહેલા 22 વિપક્ષો દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં પરિવર્તનની માંગ અસંવૈધાનિક છે. કારણકે આ પ્રકારનો કોણ પણ નિર્ણય તમામ પક્ષોની સર્વસંમતિ વગર શક્ય નથી.

ચોથા સવાલમાં ભાજપ અધ્યક્ષે લખ્યું વિપક્ષે ઈવીએમને લઇ 6 તબક્કાનું મતદાન પૂરું થયા બાદ હંગામો શરૂ કર્યો. એક્ઝિટ પોલ બાદ જે વધુ તીવ્ર બન્યો. એક્ઝિટ પોલ ઇવીએમના આધારે નહીં પરંતુ મતદાતાને પ્રશ્ન પૂછીને કરવામાં આવે છે. આ પ્રકારના એક્ઝિટ પોલના આધાર પર તમે ઈવીએમની વિશ્વસનીયતા પર પ્રશ્ન કેવી રીતે ઉઠાવી શકો છો?

પાંચમાં સવાલમાં શાહે પૂછ્યું, ઈવીએમમાં ગડબડના અંગે ચૂંટણી પંચે જાહેર પડકાર ફેંકીને પ્રદર્શનનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેનો સ્વીકાર કરવામાં આવ્યો નહોતો. વીવીપેટનો ઉલ્લેખ કરી તેમણે લખ્યું કે આના ઉપયોગ બાદ મતદાર વોટ આપ્યા બાદ કઇ પાર્ટીને મત ગયો તે જોઈ શકે છે. આટલી પારદર્શી પ્રક્રિયા હોવા છતાં તેના પર પ્રશ્ન ઉઠાવવો કેટલો વાજબી છે.

છઠ્ઠા સવાલમાં શાહે ઉપેંદ્ર કુશવાહા પર નિશાન સાધતા લખ્યું કે, કેટલાક વિપક્ષો ચૂંટણી પરિણામ અનુકૂળ ન આવવા પર હથિયાર ઉઠાવવાની અને લોહીની નદીઓ વહાવવા જેવા વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યા છે. વિપક્ષ આવા હિંસાત્મક અને અલોકતાંત્રિક નિવેદન દ્વારા કોને પડકાર ફેંકી રહ્યા છે? જે પણ ચૂંટણી પરિણામ આવે તેનો તમામે સ્વીકાર કરવો જોઈએ. કારણકે દેશના 90 કરોડ મતદારોનો આ જનાદેશ હશે.