અમદાવાદ: લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણીમાં પ્રત્યેક મતદાર પોતાનું મતદાન અચુક કરે તે જરૂરી છે. દેશમાં યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પૈકી ગુજરાત રાજ્યની તમામ ૨૬ બેઠકો માટે ૨૩ એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે, જે સંદર્ભે અમદાવાદ સ્થિત અરવિંદ લિ. દ્વારા કર્મચારીઓને મતદાન માટે પ્રોત્સાહિત કરવા વિવિધ જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા.
અરવિંદ લિ. દ્વારા તેના અમદાવાદ સ્થિત ચાર અને ગાંધીનગર પાસેનાં ઉત્પાદન એકમોમાં તમામ કર્મચારીઓને 100 ટકા મતદાન માટે ખાસ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અરવિંદ લિ. દ્વારા સ્થાનિક પ્રસાશનના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓમાં વિવિપેટ મશીન અંગેની જાણકારી અને જાગૃતિ આવે તે હેતુથી વર્કશોપ યોજવામાં આવ્યા હતા.
કંપની દ્વારા કર્મચારીઓ લોકશાહીના આ મહાપર્વમાં પોતાનાં મતાધિકારનો અચૂક ઉપયોગ કરે તે માટે પોસ્ટરો, બેનરો તેમજ વીડિયો ફિલ્મ દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.