નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા દિલ્હીના આજે વધુ બે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. ટીમ ઈન્ડિયાને 2007નો ટી20 અને 2011નો વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ગૌતમ ગંભીરને દિલ્હી ઇસ્ટ બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે મીનાક્ષી લેખીને નવી દિલ્હીથી ટિકિટ ફાળવવામાં આવી છે. ગઈકાલે ભાજપ દ્વારા 4 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિત જાહેર કર્યા બાદ ગત મહિને ગૌતમ ગંભીર ભાજપમાં જોડાયો હતો. ત્યારથી જ તે દિલ્હીમાંથી ચૂંટણી લડશે તેવી અટકળો થવા લાગી હતી. ગૌતમ ગંભીરને લોકસભામાં પહોંચાડવા માટે ભાજપે 2014માં સાંસદ બનેલા ઉદિત રાજની ટિકિટ કાપી છે.


ભારતને 2007ના T20 વિશ્વ કપ અને 2011ના વર્લ્ડ કપ જીતાડવામાં ગૌતમ ગંભીરનો મહત્વનો ફાળો હતો. આ બંને વિશ્વકપની ફાઇનલમાં તેણે યાદગાર બેટિંગ કરી હતી. 2007ના વિશ્વકપમાં ગંભીરે ટુર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવ્યા હતા. ફાઇનલમાં પાકિસ્તાન સામે તેણે 54 બોલમાં 75 રનની ઇનિંગ રમી હતી. 2011ના વર્લ્ડકપની ફાઇનલમાં તેણે શ્રીલંકા સામે 97 રનની યાદગાર ઇનિંગ રમી હતી. ગૌતમ ગંભીર અંતિમ T20 ડિસેમ્બર 2012માં પાકિસ્તાન સામે રમ્યો હતો. જ્યારે અંતિમ વન ડે મેચ 2013માં ઇંગ્લેન્ડ સામે અને છેલ્લી ટેસ્ટ નવેમ્બર 2016માં ઇંગ્લેન્ડ સામે રમ્યો હતો.

‘આઇસીસી પ્લેયર ઓફ ધ યર’નો ખિતાબ જીતનારા ગંભીરે ભારત તરફથી 58 ટેસ્ટ, 147 વન ડે અને 37 T20 મેચ રમી છે. તેણે 58 ટેસ્ટમાં 9 સદીની મદદથી 4151 રન બનાવ્યા છે. જેમાં સર્વોચ્ચ સ્કોર 206 રન છે. 147 વન ડેમાં 39.7ની સરેરાશથી 5238 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 150 રન અણનમ છે. વન ડેમાં તેણે 11 સદી અને 34 અડધી સદી મારી છે. 37 T20માં તેણે 119ના સ્ટ્રાઇક રેટ સાથે 932 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 75 રન છે.