સોનગઢઃ વડાપ્રધાન મોદીએ આજે ગુજરાતમાં ચૂંટણી સભાઓને સંબોધી હતી. બારડોલીના સોનગઢ ખાતે એક ચૂંટણી સભાને સંબોધી હતી.આ સભામાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં દેશદ્રોહને હટાવવાની વાત કરવામાં આવી છે. જે લોકો આ દેશના ટુકડા ટુકડા કરવા માંગે છે, કોંગ્રેસ તેમને બળ આપવાની વાત કહી રહી છે.


તેમણે કહ્યું કે હવે તો દેશના ગરીબોને પણ સમજાઈ ગયું છે કે ગરીબી નહીં કોંગ્રેસ હટાવવાની જરૂર છે. ગરીબી હટાવોની પહેલી શરત જ એ છે કે કોંગ્રેસ હટાવો. રાષ્ટ્રવાદથી લઈને ચૂંટણીના ઢંઢેરા સુધી અને આદિવાસીઓના કલ્યાણથી લઈને ગુજરાતના વિકાસના મુદ્દે વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે દેશદ્રોહ અને ભ્રષ્ટાચાર આ બે કેન્સર છે જે દેશને ખાઈ રહ્યા છે. કોંગ્રેસ ચોકીદારને ચોર કહે છે પરંતુ કરોડો રૂપિયા રેડમાં ભોપલમાં કોંગ્રેસીઓ પાસેથી મળી આવે છે. મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકાર ગણતરીના મહિનામાંજ એટલો ભ્રષ્ટાચાર કર્યો કે એક રેડમાં જ 280 કરોડ મળી આવ્યા છે.


પીએમ મોદીએ કહ્યું કે આ ભૂમિ ગાંધી અને સરદારની ભૂમિ છે પરંતુ કોંગ્રેસને સરદાર સાહેબ આંખના કણાની જેમ ખૂંચતા હતા. કોંગ્રેસે સરદાર પટેલ અને મોરારજી દેસાઈ સાથે જેવું કર્યુ હતું તેવું મારી સાથે કરી રહી છે, પરંતુ હું તમારી પાસે તૈયાર થયો છું તેથી મને તેઓ કઈ કરી શકતા નથી.


પ્રથમ વાર વોટ આપનારા મતદાતાઓ પાસેથી વડાપ્રધાન મોદીએ અવશ્ય મતદાન કરવાનું વચન માંગી સોનગઢની સભા સમાપ્ત કરી હતી.