નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે મધ્યપ્રદેશના 4 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં થોડા કલાકો પહેલા જ ભાજપમાં સામેલ થયેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને પણ ટિકિટ આપવામાં આવી છે. મધ્યપ્રદેશની હાઇ પ્રોફાઇલ સીટ પરથી તેઓ ચૂંટણી લડશે. આ સીટ પર કોંગ્રેસે તેના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહને મેદાનમાં ઉતાર્યા છે.


આ ઉપરાંત ભાજપ દ્વારા વિદિશા બેઠક પરથી રમાકાંત ભાર્ગવ, સાગર બેઠક પરથી રાજ બહાદુર સિંહ અને ગુના બેઠક પરથી ડો. કે.પી. યાદવને ટિકિટ ફાળવી છે.


સાધ્વી પ્રજ્ઞા ભોપાલ બેઠક પરતી તેનું નામ જાહેર થયાના ગણતરીના કલાકો પહેલા જ ભાજપમાં સામેલ થયા હતા. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાન સાથે મુલાકાત બાદ સાધ્વી પ્રજ્ઞાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, હું બીજેપીનું સભ્યપદ લઈ રહી છું એન હું ચૂંટણી લડીશ અને જીતીશ.


ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપી બનાવ્યા બાદ સમાચારોમાં આવેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહે છે. જોકે, તે કેસમાં દોષમુક્ત થયા બાદ તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પોતાના જોરદાર નિવેદનોથી હંમેશા કોંગ્રેસને નિશાન પર લેતા રહ્યા છે. સાધ્વી પ્રજ્ઞાનું એબીવીપી અને દુર્ગા વાહિની સાથે સંપર્ક રહ્યો છે.


સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે વર્ષ 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ 9 વર્ષ સુધી જેલમાં રહ્યા. સાધ્વી પ્રજ્ઞાએ આરોપ લગાવ્યો કે તત્કાલીન ગૃહ મંત્રી પી. ચિદમ્બરમે 'હિન્દુ આતંકવાદ'નો જુમલો ઘઢ્યો અને આ નેરેટિવને સેટ કરવા માટે તેમને ખોટા કેસમાં ફસાવ્યા હતા. 2 એપ્રિલ, 201ના રોજ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા અને થોડા દિવસો પહેલા જ આ કેસમાં તેમને નિર્દોષ જાહેર કરાયા હતા.