નવી દિલ્હીઃ ફિલ્મી પડદા પર લાઇટ, કેમેરા અને એક્શનથી લાખો પ્રશંસકોના દિલમાં આગવું સ્થાન બનાવનાર બોલીવુડ સ્ટાર તથા પૂર્વ ખેલાડીઓ આ વખતે ચૂંટણી મેદાનમાં કિસ્મત અજમાવી રહ્યા છે. બીજેપી, કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ જેવા જાણીતા પક્ષોએ આ વખતે સેલિબ્રિટીને મેદાનમાં ઉતાર્યા છે.




રાજ બબ્બરઃ ઉત્તરપ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રાજ બબ્બરે 1989માં જનતાદળ દ્વારા રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. સપામાંથી ત્રણ વખત લોકસભા સાંસદ રહ્યા બાદ 2008માં કોંગ્રેસમાં જોડાયા. 2009માં ડિંપલ યાદવને હરાવી સાંસદ બનેલા રાજ બબ્બર આ વખતે ફતેહપુર સીકરી પરથી લડશે.



જયા પ્રદાઃ રામપુર લોકસભા સીટ પરથી બીજેપીએ ફિલ્મ અભિનેત્રી જયાપ્રદાને ઉમેદવાર બનાવી છે. સમાજવાદી પાર્ટી તરફથી 2004 અને 2009માં સાંસદ રહી ચુકેલી જયાએ આઝમ ખાન અને અમર સિંહ સાથે સંબંધમાં તિરાડ પડ્યા બાદ સપા છોડી હતી. 2014માં તે ચૂંટણી લડી પરંતુ જીતી શકી નહોતી. આ વખતે ભાજપે તેને ઉમેદવાર બનાવી છે.



શત્રુધ્ન સિન્હાઃ બિહારની પટના સાહિબ સીટ પરથી 2009 અને 2014માં ભાજપ તરફથી જીતનારા શત્રુધ્ન સિન્હા આ વખતે કોંગ્રેસમાં સામેલ થયા છે. તેઓ આ સીટ પરથી જ ચૂંટણી લડશે.



હેમા માલિનીઃ મથુરા લોકસભા સીટ પરથી ભાજપે ફરી એક વખત અભિનેત્રી હેમામાલિનીને ટિકિટ આપી છે. આ વખતે તેની ટક્કર એસપી-બીએસપી ગઠબંધનના ઉમેદવાર કુવર નરેન્દ્ર સિંહ અને કોંગ્રેસના ઉમેદવાર મહેશ પાઠક સામે છે.



દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆઃ થોડા દિવસો પહેલા ભાજપમાં જોડાયેલા ભોજપુરી સ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆને આઝમગઢથી પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સામે મેદાનમાં ઉતાર્યા છે. નિરહુઆને ભોજપુરી સિનેમાનો જુબલી સ્ટાર કહેવાય છે. નિરહુઆ બિગ ભોસમાં પણ નજરે પડી ચુક્યો છે.



ઉર્મિલા માતોડકરઃ બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોડકર થોડા જ દિવસો પહેલા કોંગ્રેસમાં સામેલ થઈ છે. પાર્ટીએ તેને ઉત્તર મુંબઈ લોકસભા સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતારી છે.



રાજ્યવર્ધન સિંહ રાઠોડઃ રાજસ્થાનમાં જયપુર ગ્રામીણ લોકસભા સીટ પરથી પૂર્વ ઓલ્મિપિક ચેમ્પિયન અને કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. 2004માં તેણે એથેન્સ ઓલિમ્પિકમાં ડબલ ટ્રેપ શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો.



મુનમુન સેનઃતૃણમુલ કોંગ્રેસે આસનસોલ બેઠક પરથી અભિનેત્રી મુનમુન સેનને ઉમેદવાર બનાવી છે. હિન્દી ઉપરાંત બંગાળી, તેલુગુ, તમિલ, કન્ન્ડ અને મરાઠી ફિલ્મોમાં તે કામ કરી ચુકી છે. તેણે 40 જેટલી ટીવી સીરિયલોમાં પણ કામ કર્યું છે.