નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમેટી(એમપીસી)ની બેઠક પૂરી થયા બાદ આજે વ્યાજ દરોની જાહેરાત કરવામાં આવી હતી. નવા નાણાંકીય વર્ષમાં આ એમપીસીની પ્રથમ બેઠક હતો. મિટિંગમાં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીની સમીક્ષા બેઠકમાં આરબીઆઈએ રેપો રેટમાં આટલો જ ઘટાડો કર્યો હતો, બાદમાં રેપો રેટ 6.25 ટકા થયો. નવો રેપો રેટ 6 ટકા થઈ ગયો છે. પરિણામે લોનનો હપ્તો ઘટશે.
સતત બીજી વખત વ્યાજ દરમાં ઘટાડાથી ચૂંટણી મોસમમાં લોન લેનારા લોકોને મોટી રાહત મળશે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસની આગેવાનીમાં આ બીજી બેઠક હતી. શક્તિકાંત દાસે ગત વર્ષે ડિસેમ્બરમાં કાર્યભાર સંભાળ્યો હતો.
2019-20 માટે રિઝર્વ બેંકે જીડીપી અંદાજમાં 0.2 ટકાનો ઘટાડો કર્યો છે. રિઝર્વ બેંકની બેઠકમાં જીડીપી અંદાજ 7.2 ટકા રાખવામાં આવ્યો છે. આ પહેલા કેન્દ્રીય બેંકે જીડીપી અંદાજ 7.4 ટકા રાખ્યો હતો.